Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સિદ્ધપુરમાં લારીએ પાણીપુરી ખાધા બાદ 5 બાળકોને ફુડ પોઇઝનિંગ થતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયાઃ તબિયત સ્‍થિર

પાણીપુરીના શોખીન લોકો માટે ચેતવણીરૂપ કિસ્‍સો

પાટણ: પાણીપુરીનું નામ સાંભળીને જ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. જો કે બહારની પાણીપુરીમાં સ્વચ્છતા બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવા કિસ્સા તમે અનેકવાર સાંભળ્યા હશે. પરંતુ પાણીપુરીના શોખીનો ઓછા નથી થતા. હાલ પાણીપુરીના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. સિદ્ધપુરમાં 5 બાળકોએ પાણીપુરી ખાધા પછી ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જેના કારણે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સારવાર લઈ રહેલા બાળકોની તબિયત સ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરમાં 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પાણીપુરી ખાધા બાદ બાળકોની એકાએક તબિયત લથડી હતી. સિદ્ધપુર શહેરમાં બાળકોએ લારી ખાતે પાણીપૂરી ખાધી હતી. જેમાં બાળકોની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સારવાર લઈ રહેલા બાળકોની તબિયત સ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાણીપુરી ખાવાના ફાયદા અને નુકસાન

નોંધનીય છે કે એક વાત દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે, કોઈ પણ વસ્તુ માપમાં હોય તો તે યોગ્ય છે. કોઈ પણ વસ્તુનું તમે વધારે પડતા પ્રમાણમાં સેવન કરો તો તે નુકસાનકારક સાબિત થાય છે. પાણીપુરી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે જો માપમાં પાણીપુરી ખાશો તો તે પણ ફાયદાકારક સાબિત થશે.

સૌથી મોટો ફાયદો એ છે કે પાણીપુરી તમારી પાચનક્રિયા નથી બગાડતી. પાણીપુરીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મસાલા તમારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર થાય છે જે એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓનો નાશ કરે છે.

પાણીપુરીના વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામ

દેશભરમાં પાણીપુરીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પાણીપુરી, હરિયાણામાં પતાશા, મધ્યપ્રદેશમાં પાણી પતાશા, ઉત્તરપ્રદેશમાં પડાકા અથવા પગોલગપ્પા, બિહારમાં ફુલ્કી, પશ્ચિમ બંગાળમાં પુચકા, ઓરિસ્સામાં ગુપચુપ અને ગુજરાતમાં પકોડી તરીકે ઓળખવામાં આવે છે.

(5:13 pm IST)