Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરતમાં પુરૂષ વેશ્‍યા તરીકે નોકરી આપવાનું કહીને રત્‍ન કલાકાર પાસેથી 29 હજાર ખંખેરી લીધાઃ તળાજાના પાદરી ગામના ભીમા ઉર્ફે ભીમો રાજુ ભમ્‍મરની ધરપકડ

યુવતિના ખોટા નામથી ફેસબુક એકાઉન્‍ટ બનાવીને છેતર્યો

સુરત: આજકાલ સોશિયલ મીડિયામાં યુવતીઓના નામે બોગસ એકાઉન્ટ બનાવી લોકોને છેતરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ફેસબુક ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલી અનેક યુવકો છેતરાયા હોવાના અનેક કિસ્સા બની ચૂક્યા છે. જોકે તેમાંથી બોધપાઠ લેવાના બદલે ઉલ્ટાનું યુવતીઓની મોહજાળમાં ફસાઈને પોતાનું સ્વર્સ્વ લૂંટાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે.

કોરોના મહામારીમાં બેરોજગાર યુવક નોકરી મેળવવાની લાલસામાં છેતરાયો છે. પુરુષ વેશ્યા તરીકે નોકરીમા આપવાનું કહી રત્નકલાકાર પાસેથી 29000 રૂપિયા ખંખેર્યા છે. આ ઘટનામાં સાઈબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં તળાજાના પાદરી ગામના 25 વર્ષીય ખેડૂતની ધરપકડ કરી હતી.

આ ઘટના સંદર્ભે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે રત્નકલાકાર 29 વર્ષીય યુવાનને કોરોના મહામારીમાં આર્થિક સંક્રડામણ ઉભી થતાં તેણે સોશિયલ મીડિયા પર જોબ શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને ફેસબુક પર જીનલ મહેતા નામનું એકાઉન્ટ મળ્યું હતું. જેમાં યુવકને કોલબોય (પુરુષ વેશ્યા) તરીકેની નોકરીની ઓફર કરવામાં આવી હતી. આપેલા નંબર ઉપર સંપર્ક કરતાં મુકેશના નામે વાત કરતાં શખસે રજિસ્ટ્રેશન ફીના નામે 2000 રૂપિયા ભરાવી શ્વેતા નામની યુવતીનો નંબર આપ્યો હતો.

આ યુવતીએ યુવાનને ફોન કરીને પોતે બીમાર પિતા સાથે વડોદરા આવી હોવાનું અને હોટેલમાં રોકાણ, કોરોનામાં પોલીસની હેરાનગતિના નામે 27 હજાર રૂપિયા એકાઉન્ટમાં ભરાવડાવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન બોલાવી ફોન બંધ કરી દીધો હતો.

નગ્ન વીડિયો મંગાવ્યો અને પછી વધુ 20 હજાર માગ્યા

શ્વેતાનો ફોન બંધ થઈ જતાં મુકેશે પાયલ નામની કોલગર્લનો નંબર આપ્યો હતો. યુવતીએ આ યુવાન પાસે નગ્ન ફોટોગ્રાફ્સ તથા વીડિયો મંગાવ્યા હતા. જે આ યુવાને મોકલાવતાં જ અસલી રંગ બતાવ્યો હતો. 20 હજાર નહિ આપે તો યુવાનનો નગ્ન વીડિયો તેના સંબંધીઓને વાયરલ કરવાની ધમકી આપતા મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચતા પોલીસે તળાજાના પાદરી ગામે રહેતા ભીમા ઉર્ફે ભીમો રાજુ ભમ્મરની ધરપકડ કરી હતી.

(5:19 pm IST)