Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગાંધીનગર જિલ્લામાં કોરોના ગાઇડલાઇનનો પાલન કરાવવા પોલીસની કડક કાર્યવાહી:માસ્ક વગર 40 લોકોને પકડ્યા

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે ત્યારે આ સ્થિતિમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાંઓની કડક અમલવારી કરાવવા અપાયેલી સૂચનાના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા પણ માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ સામે ગુના દાખલ કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત એક જ દિવસમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૪૦ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા.   

ગત એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ખુબજ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડયા બાદ હવે કોરોનાની ત્રીજી લહેરે મંડાણ કરી દીધા છે. રાજયમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહયા છે. રોજીંદા છ હજારથી વધુ કેસ આવી રહયા છે ત્યારે રાજય સરકારે તમામ જિલ્લા તંત્રોને કોરોનાલક્ષી બહાર પાડવામાં આવેલા જાહેરનામાંઓનું કડકપણે પાલન કરાવવા તાકીદ કરી છે. જેના અનુસંધાને છેલ્લા બે દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા આ જાહેરનામાંઓનું પાલન કરાવવા માટે જાહેર સ્થળો ઉપર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું અને માસ્ક વગર ફરતાં વ્યક્તિઓ સામે દંડની વસુલાતની સાથે ગુના પણ નોંધવામાં આવીરહયા છે. છેલ્લા ર૪ કલાક દરમ્યાન જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારોમાંથી પોલીસે ૪૦ જેટલા વ્યક્તિઓને પકડી માસ્ક નહીં પહેરવા બદલ જાહેરનામાં ભંગના ગુના નોંધ્યા છે તો ઉતરાયણનો પર્વ નજીક આવી રહયો છે ત્યારે બજારોમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નોંધવું રહેશે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી કરફયુ લગાવાયો છે ત્યારે આ સ્થિતિમાં તેની પણ કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. 

(6:17 pm IST)