Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરતના કવાસ પાટિયા નજીક સુડાના અધિકારીની ઓળખ આપી 2.75કરોડ પડાવી લેનાર ઠગ ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: કવાસ પાટીયા સ્થિત કલ્પતરૂ સુપર માર્કેટ નામના દુકાનદારને સુડાના અધિકારી તરીકે ઓળખ આપી પાલ ખાતે સુડાની દુકાન વેચાણના નામે રૂ. 2.75 કરોડ પડાવી લઇ સુડાનો બોગસ એલોટમેન્ટ લેટર પધરાવનાર ટોળકી વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

હજીરા રોડના કવાસ પાટીયા સ્થિત સિધ્ધી કોમ્પ્લેક્ષમાં કલ્પતરૂ સુપર માર્કેટ નામે દુકાન ધરાવતા રાજકુમાર રામલાલ જૈન (ઉ.વ. 31 રહે. વિષ્ણુનગર સોસાયટી, ઇચ્છાપોર અને મૂળ. કુંદવા, તા. દેવગઢ, જિ. રાજસમદ, રાજસ્થાન) એ વર્ષ 2012 માં ધવલ મહેન્દ્ર જેઠવા (રહે. સાંઇકૃતિ રેસીડન્સી, અડાજણ), મહેશ મધુકર ગુરવ (રહે. ડી 803, વોટર હીલ્સ રેસીડન્સીસ વીઆઇપી રોડ, અલથાણ), પરિક્ષીત હિતેશ શાહ (રહે. જે 202, વેર્સ્ટન સિટી, એલ.પી. સવાણી સ્કૂલ નજીક, અડાજણ) સાથે પરિચય થયો હતો. આ તમામે પાલ સ્થિત સુરત શહેરી વિકાસ સત્તા મંડળ, સુડાના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં. 7 થી 16 વેચાણ કરવાની છે અને સુડાના અધિકારીઓ સાથે અમારી સારી ઓળખાણ છે એમ કહી હિતેશ અરવિંદ મીસ્ત્રી સાથે પરિચય કરાવ્યો હતો. હિતેશે પોતાની ઓળખ સુડાના અધિકારી તરીકે આપી હતી. રાજકુમારે દુકાનના પેમેન્ટ પેટે રૂ. 2.75 કરોડ ચુકવી દેતા વર્ષ 2018માં ચેકની રસીદ અને એલોટમેન્ટ લેટર આપ્યો હતો. પરંતુ દુકાનનો વેચાણ દસ્તાવેજ કરી નહીં આપતા રાજકુમારે સુડામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુડાએ ઉપરોકત દુકાન વેચાણ આપી નથી અને કોઇ રસીદ કે એલોટમેન્ટ લેટર પણ આપ્યો નથી. જેથી રાજકુમારે રૂ. 2.75 કરોડની માંગણી કરતા આ રકમ ચુકવવા નોટોરાઇઝ સમજૂતી કરાર લખી આપ્યો હતો. પરંતુ આજ દિન સુધી પેમેન્ટ પરત નહીં આપ્યું ન હતું.

(6:25 pm IST)