Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજ્યની સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરાશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે

અમદાવાદ : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાધનના હિતમાં શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મદદરૂપ થશે.

 મંત્રીએ ઉમેર્યું કે આ આઠ પોલિટેકનિકમાં સરકારી પોલિટેકનિક-વડનગર, ડો.જે.એન.મહેતા પોલિટેકનિક-અમરેલી, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)-મોરબી, એ.વી.પી.ટી.આઈ. રાજકોટ, સરકારી પોલિટેકનિક-પાલનપુર ઉપરાંત કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક સુરત, સરકારી પોલિટેકનિક-ગાંધીનગર અને કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યુ કે, સરકારી નોકરીમાં ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી ૩ ટકાથી વધારી ૪ ટકા કરવામાં આવી છે. વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે તેને સંલગ્ન જરૂરી વહિવટી પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે. હવે ધો.૧ થી ૫ માટે ૧૩૦૦ વિદ્યાસહાયક અને ધો.૬ થી ૮ માટે ૨ હજાર વિદ્યાસહાયક મળી કુલ ૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામા આવશે.
શિક્ષણ મંત્રીએ  ઉમેર્યું કે, રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૦ હજારની કિંમતના ટેબલેટ માત્ર રૂ.૧ હજારના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેના વિતરણમાં હાલ વિલંબ થયો છે. જો કે ઇ.ક્યુ.ડી.સી દ્વારા ટેબલેટની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. ટેબલેટમાં ખામી જણાતા કંપનીને પરત મોકલવામાં આવ્યા હતા અને હવે ગુણવત્તાયુક્ત ૫૦ હજાર જેટલા ટેબલેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે જે સત્વરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

(6:46 pm IST)