Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સોશ્યલ મીડિયા દ્વારા મહિલા કોન્સ્ટેબલે કહ્યું - જ્યાં સુધી અમારા ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી હવે તો હું આ લડત ચાલુ જ રાખવાની છું.

પે આંદોલન મામલે ગાંધીનગરમાં DySPએ લાફો માર્યો હોવાનો મહિલા કોન્સ્ટેબલનો આક્ષેપ

ગાંધીનગરમાં ગ્રેડ-પે મામલે પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં જે કોન્સ્ટેબલ અને પોલીસકર્મીઓ જોડાયા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે એક મહિલા કોન્સ્ટેબલે પોલીસ ગ્રેડ-પે આંદોલન મામલે ગાંધીનગરમાં ધરણાના પ્રયાસ મામલે DySPએ તેને લાફો માર્યો હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો.

કોન્સ્ટેબલ નીલમ મકવાણાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માગું છું કે, થોડાં દિવસ પહેલા ગાંધીનગર ખાતે પોલીસ ગ્રેડ-પે મામલે પોલીસ આંદોલનની એક શરૂઆત કરવામાં આવી હતી. જે આંદોલન સરકાર દ્વારા કમિટી રચીને ઊભું રાખી દેવામાં આવ્યું હતું. આ કમિટી દ્વારા બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને તે સમય આજે પૂરો થઇ ગયો છે. બે મહિનાના સમયની ઉપર 10 દિવસ થઇ ગયા છે. કમિટી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ સમય દરમિયાન અમારા જેવા ઘણા પોલીસ કોન્સ્ટેબલની આંતરજિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. હું નીલમ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. મારી k કંપનીમાં બદલી કરવામાં આવી અને ત્યારબાદ ભાવનગરમાં બદલી કરી દેવામાં આવે. હું કહેવા માગું છું કે, મેં કોઈ મોટો ગુનો નથી કર્યો કે મને સાંભળ્યા વગર જ મારી આ પ્રકારે બદલી કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમ છતાં 7મી જાન્યુઆરીએ પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ફરીથી ધરણા કરવા માટે ગાંધીનગરની છાવણી ખાતે જવાના પ્રયાસ થઇ રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા પોલીસને આગળ કરીને આ મહિલાઓને ડીટેઈન કરવામાં આવી છે. આ મહિલાઓમાં હું પણ એક હતી. મારી સાથે બહુ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. ત્યાંના DySP રાણા સાહેબે મને લાફો માર્યો છે. શું આ બધું યોગ્ય છે? શું એક મહિલા તરીકે મારી રજૂઆત કોઈ સાંભળવા માગતું નથી. આમ સરકાર ખાતરી કરે છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. જયારે મને રાણા સાહેબે લાફો માર્યો ત્યારે હવે મારે સલામતીની ભીખ માગવા માટે ક્યાં જવાનું. મને સરકાર જવાબ આપે અને બીજું હવે જ્યાં સુધી અમારા ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી હવે તો હું આ લડત ચાલુ જ રાખવાની છું.

(11:52 pm IST)