Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર આરોપીઓ ભાગ પાડવા ભેગા થયાને ઝડપાયા

મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટિપ્સ આપી હતી: કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ખુલાસો

 

અમદાવાદ : શહેરના ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર થયેલ ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટિપ્સ આપી હતી અને તે કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ખુલાસો થયો છે.લૂંટ કરી આરોપીઓ ભાગ્યા અને ભાગ પાડવા સરદારનગરમાં ભેગા થયા હતા. ત્યાં જ પીઆઇ ચિરાગ ટંડેલને બાતમી મળી અને તેમની ટીમ સાથે ત્રાટકયાને તમામ લોકો ઝડપાઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં રહેલ ચાર રીઢા ગુનેગારોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચાર આરોપી કિશનસિંગ મઝવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચારથી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.

એક ગોળી આંગડિયા પેઢીના કર્મીને પગમાં વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલનો આરોપીઓ ભાગ પાડી રહ્યા હતા ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી અને આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટિપ્સ આપી હતી. જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે પકડાયેલ ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં આરોપી કિશનસિંગ પેરોલ પર બહાર હતો અને આંગડિયા પેઢી કર્મચારીઓની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યું છે.

લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આસાનથી આરોપી ઝડપાઇ ગયા છે. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

(12:32 am IST)