Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજ્યમાં શિક્ષણ સહાયકોને 5 વર્ષ પુર્ણ થયા બાદ પુરા પગારમાં સમાવવાની દરખાસ્ત કરવામાં શાળાઓ ઉદાસીન

ડીઈઓ દ્વારા પરિપત્ર કરી સંચાલકોને સમયસર દરખાસ્ત કરવા તાકીદ કરી: અન્યથા જે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેની તમામ જવાબદારી સંચાલક મંડળની રહેશે

અમદાવાદ : રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ પુર્ણ થયા બાદ પુરા પગારમાં સમાવવાની દરખાસ્ત કરવામાં શાળા દ્વારા આળસ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘણા જિલ્લાઓમાં કર્મચારીના પાંચ વર્ષ સંતોષકારક રીતે પુર્ણ થયા હોવા છતાં સ્કૂલો દ્વારા સમયસર ડીઈઓ કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવતી નથી. અમદાવાદમાં પણ આ જ સ્થિતી હોવાથી ડીઈઓ દ્વારા પરિપત્ર કરી સંચાલકોને સમયસર દરખાસ્ત કરવા તાકીદ કરી છે. અન્યથા જે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેની તમામ જવાબદારી સંચાલક મંડળની રહેશે તેમ સ્પષ્ટ જણાવી દેવાયું છે.

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણુંક કરવામાં આવેલા શિક્ષણ સહાયકોને નોકરીના પાંચ વર્ષ સંતોષકારક પુર્ણ થયા બાદ તેમને નિયમિત પુરા પગારમાં સમાવવા અંગેના આદેશો કરવામાં આવતા હોય છે. આ બાબતે કેટલીક શાળાઓ દ્વારા પાંચ વર્ષ પુર્ણ થયા બાદ પણ સમયસર પુરા પગારમાં સમાવવાની દરખાસ્ત ડીઈઓ કચેરી ખાતે રજૂ કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. જેના લીધે કર્મચારીને પુરા પગારમાં સમાવવાની કાર્યવાહી વિલંબમાં થાય છે. આ કોઈ એક જિલ્લા પુરતી વાત નથી, પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે.

અમદાવાદ શહેરની પણ કેટલીક સ્કૂલો દ્વારા પુરા પગાર માટેના આદેશો માટે સમયસર દરખાસ્ત કરી ન હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, કેટલીક સ્કૂલો દ્વારા પુરા પગારમાં સમાવવાની દરખાસ્તો કચેરી ખાતે સમયસર રજૂ કરવામાં આવતી નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ મુજબ સંસ્થાના કર્મચારીને સરકારના નિતી નિયમોને આધીન સમયસર અને પુર્ણ પણે નિયમાનુસાર વેતન ગ્રાન્ટ મળવાપાત્ર ન હોય તેવા સંજોગોમાં પણ મળે તેની જવાબદારી સંચાલક મંડળની રહેશે.

જેથી તમામ સંચાલકોએ કર્મચારીના પુરા પગારમાં સમાવવાની દરખાસ્તો પાંચ વર્ષ સંતોષકારક રીતે પુર્ણ થયા બાદ તરત જ રજૂ કરવા માટે પરિપત્રમાં જણાવાયું છે. જો, સંચાલકો દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં વિલંબ કરવામાં આવશે અને તેના લીધે જે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેની તમામ જવાબદારી શાળા સંચાલક મંડળની રહેશે તેમ પણ ડીઈઓ દ્વારા પરિપત્રમાં જણાવાયું હોવાનું જાણવા મળે છે. આમ, સ્કૂલો સમયસર પુર્ણ પગાર માટે દરખાસ્ત કરે તે માટે ડીઈઓ દ્વારા ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

(12:33 am IST)