Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોડાસા તાલુકાના ઈટાડી ગામે કળશ લઇ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢનાર 10 વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

મોડાસા:તાલુકાના ઈટાડી ગામે માથે કળશ લઈ વાજેતે ગાજતે શોભાયાત્રા યોજી બળીયાદેવ ને પાણી ચડાવવાનો કાર્યક્રમ યોજાતા ચકચાર મચી હતી. અને આ શોભાયાત્રાનો વીડીયો વાયરલ થતાં મોડાસા  રૂરલ પોલીસે આ વીડીયોની ખરાઈ કરી મહામારી ટાણે ગેરકાયદેસર રીતે આ શોભાયાત્રા યોજનાર ૧૦ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાનો કહેર વિશ્વભરમાં કહેર સર્જી રહયો છે. ત્યારે વાયરસના કહેરથી બચવા અને સંક્રમણને નાથવા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ૨૯ એપ્રિલ ૨૦૨૧ ના રોજ જાહેર કરાયેલ હુકમ અને ગુજરાત ગૃહ વિભાગના જાહેરનામા પ્રસિધ્ધ કરી આ મહામારી ટાણે રાજકીય,સામાજિક,દ્યાર્મિક,સાંસ્કૃતિક અને મેળાવડા સહિત શૈક્ષણિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. ત્યારે આવા કપરા કાળમાં અને અન્ય લોકોનું આરોગ્ય ગંભીર રીતે જોખમાય તેવી દહેશત છતાં સોશીયલ ડિસ્ટન્સ ની તકેદારીનો ભંગ કરી મોડાસા તાલુકાના ઈટાડી ગામે રવિવારે કેટલાક લોકો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી. આ ગામના કેટલાક લોકો દ્વારા કળશમાં પાણી ભરી આ પાણી બળીયાદેવ ને ચડાવવા વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું  અને આ કાર્યક્રમનો વિડીયો વાયરલ કરાયો હતો. વાયરલ થયેલ આ વીડીયો મોડાસા રૂરલ પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.તોમર ને હાથ લાગતાં આ વીડીયોની ખરાઈ કરવા પોલીસ ટીમ ઈટાડી ગામે મોકલાઈ હતી. અને ખરાઈ કરતા માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી આ શોભાયાત્રા યોજાઈ હોવાનું જણાઈ આવતાં જ આ કાર્યક્રમ યોજનાર ૧૦ આયોજકો અને બેન્ડવાજા વાળા સહિતના ઓને ઝડપી હવાલાતે કરાયા હતા.મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડેલ આરોપી ભીખાભાઈ નાનાભાઈ મકવાણા,કરણસિંહ મણીલાલ પરમાર,ભરતસિંહ પ્રતાપસિંહ પરમારરણજીતભાઈ ધુળાભાઈ પરમાર,મુકેશભાઈ કેશાભાઈ મકવાણાકાળુસિંહ અર્જુનસિંહ પરમાર,સુરેશભાઈ કમલેશભાઈ ચૌહાણ,જસવંતભાઈ સોમાભાઈ મકવાણા,સંજયભાઈ નરસિંહભાઈ મકવાણા અને ભીખાભાઈ કોદરભાઈ રાવળ (બેન્ડવાળા) તમામ રહે.ઈટાડી નાઓ વિરૂધ્ધ ઈપીકો કલમ ૧૮૮,૨૬૯ અને એપેડેમિક એકટ-૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:35 pm IST)