Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ચોમાસાની એન્ટ્રી :કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો

પારડી, વાપી સહિતના પંથકમાં મેઘસવારી :જસદણમાં ધોધમાર : ભાવનગરમાં પ્રથમ વરસાદ : કાળીયાબીડ વિસ્તારમાં તૂટી પડ્યો

અમદાવાદ : વલસાડમાં વરસાદી માહોલ છે. આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ચોમાસાનો પ્રારંભ થયાનું માનવામા આવી રહ્યું છે. જિલ્લામાં આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા મુજબ વલસાડમાં 30 મિમિ,પારડીમાં 31 મિમિ,વાપીમાં 17 મિમિ,વરસાદ નોંધાયો છે.

જસદણમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

જસદણમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

હવામાન વિભાગે આજે, 13 અને 14 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.તો સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે.

તો બીજી તરફ, ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં પ્રથમ વરસાદ થયો હતો. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી

(9:32 pm IST)