Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મુંબઇ બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ચોમાસાની એન્ટ્રી : કપરાડામાં બે ઇંચથી વધુ વરસાદ

પારડી, વાપી સહિતના પંથકમાં મેઘસવારી : જસદણમાં ધોધમાર : ભાવનગરમાં પ્રથમ વરસાદ : કાળીયાબીડ વિસ્તારમાં તૂટી પડયો

અમદાવાદ તા. ૧૧ : વલસાડમાં વરસાદી માહોલ છે. કાલે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ચોમાસાનો પ્રારંભ થયાનું માનવામા આવી રહ્યું છે. જિલ્લામાં કાલે બપોરે ચાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા મુજબ વલસાડમાં ૩૦ મિમિ,પારડીમાં ૩૧ મિમિ,વાપીમાં ૧૭ મિમિ,વરસાદ નોંધાયો છે.

જસદણમાં કાલે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

જસદણમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

હવામાન વિભાગે તા. ૧૩ અને ૧૪ જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.તો સાથે જ ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શકયતા છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ ૬૦ કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેકશનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે.

તો બીજી તરફ, ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં પ્રથમ વરસાદ થયો હતો. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

(11:46 am IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST