Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

SGVP ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતાપદે

બે માસથી ચાલતી ઓન લાઇન કથા પ્રસંગે વક્તાશ્રીનું પૂજન કરતા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી

અમદાવાદ તા. ૧૧ SGVP ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતાપદે ચૈત્ર માસના પ્રારંભે શરુ થયેલ ઓન લાઇન, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ ગ્રન્થ શ્રી સત્સંગિજીવનની કથાને બે માસ પૂર્ણ થતા, વૈશાખ માસની અમાવાસ્યાના દિને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ, વક્તા શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું હાર પહેરાવી કપાળે ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું.

સમગ્ર લોકનું પાલન પોષણ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદશાસ્ત્ર પ્રતિપાદિત સદ્ ધર્મની મર્યાદાનું આશ્રિત વર્ગમાં પ્રવર્તન કરાવવા સ્વયં સર્વજ્ઞ હોવા છતાં, ગઢપુરમાં પ્રાગજી પુરાણીના વ્યાસ પદે શ્રીમદ્ ભાગવતની કથા કરાવી હતી.

 કથાના પ્રારંભે, શ્રીમદ્ ભાગવતનો મહિમા સમજાવતા શ્રીજી મહારાજ કહે છે કે, અમારા જે ભકતો છે તેણે શ્રીમદ્ ભાગવત ગ્રન્થનું શ્રવણ કરવું. કથાના શ્રવણ વિના મનુષ્યને પરમાત્માના સ્વરુપનું જ્ઞાન થતું નથી.

    જ્યારે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા વ્યાસ પીઠ ઉપર બિરાજમાન થયા ત્યારે અમૃતનો કળશ લઇ દેવતાઓ ત્યાં આવ્યા અને શુકદેવજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે તમે આ અમૃત કુંભને ગ્રહણ કરો ને અને અમને કથા રુપી અમૃતનું પાન કરાવો. દેવતાઓનું વચન સાંભળીને શુકદેવજી કહેવા લાગ્યા કે ક્યાં તમારું કાચ રુપી અમૃત ક્યાં અને ક્યાં મારી કથા રુપી ચિંતામણિ. ભાગવત કથા તો ચિંતામણિ છે. આ પ્રમાણે ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે.

 શ્રી ભાગવત કથાના પાનથી રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે એ જાણીને બ્રહ્માજી પણ વિસ્મય પામ્યા હતા. ઋષિઓ પણ આ જોઇને વિસ્મય પામ્યા. ત્યારથી સર્વે ઋષિઓ ભાગવતને ભગવાન શ્રીહરિનું અપર સ્વરુપ માનવા લાગ્યા. તેમજ એમના અધ્યયનથી તત્કાલ વૈંકુઠલોકની પ્રાપ્તિ રુપ ફળ આપનારું માનવા લાગ્યા.

કથાને અંતે, જનમંગળ સ્તોત્ર નામાવલિથી પોથીનું પૂજન કરી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ બે માસથી કથાનું શ્રવણ કરાવી રહેલા પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના કપાળે ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું. અને ત્યાર બાદ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા.

(12:10 pm IST)