Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભાજપના પ્રહારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના ૩ દિવસના પ્રવાસેઃ ભાજપમાં બધુ બરાબર નથી ઍટલે પ્રભારીઍ બેઠક કરવી પડીઃ વિધાનસભાના કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના આક્ષેપો

ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ આજથી શરૂ થયો છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સ્વાગત કર્યા બાદ કમલમ પર બેઠકોનો દોર શરૂ થયો હતો. ભાજપ પ્રદેશ પ્રભારીની હાજરીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રીઓ સહિત કોર કમિટીના સભ્યો સાથે બેઠક શરૂ થવા સાથે જ કોંગ્રેસે પ્રભારીના પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે.

વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પ્રભારીની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાત ભાજપમાં બધુ બરાબર નથી. એટલે જ પ્રભારીએ બેઠક કરવી પડી રહી છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર અને સંગઠનના વચ્ચે તાલમેલ ન હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રૂપાણી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રી સામેના અસંતોષના કારણે સરકાર અને મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળશે તેવો દાવો શૈલેષ પરમારે કર્યો છે. જો કે ભાજપે કોંગ્રેસના આ આરોપોને ફગાવ્યા છે. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં જૂથવાદ છે. એટલે તેમને આવું દેખાય છે. કોરોનાની બીજી લહેરમાં ભાજપ સંગઠન અને સરકારે તાલમેલ સાથે કામ કર્યું હતું અને તેનો રિપોર્ટ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપાશે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે સરકારમાં બદલાવની વાતો કરે છે તેવો દાવો ભાજપ પ્રવક્તાએ કર્યો.

સીઆર પાટીલે આ મુદ્દે કહ્યું કે, સરકાર અને સંગઠન બંને પોતાનું કામ કરી રહ્યા છે. બંને વચ્ચે પૂરતું સંકલન છે. એમાં કોઈ સુધારાની વાત નથી. ભાજપના કોઈપણ નેતા ઘરમાં રહ્યા નથી. બધા રસ્તા પર જ હતા અને લોકોની વચ્ચે હતા. કોંગ્રેસના પ્રભારી પણ ગુજરાત આવતા હતા. અમારા પ્રભારી પણ એ જ રીતે આવ્યા છે. કોંગ્રેસના આરોપમાં દમ નથી. કારણકે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન હતું. એટલે જ પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજમાં ભવ્ય જીત મળી છે. 2022 ની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ છે.

ભાજપ પ્રભારીની મુલાકાત સાથે જ રાજકીય અટકળો શરૂ થઈ છે ત્યારે જોવાનું એ રહેશે કે આમાંની કેટલી અટકળો સાચી સાબિત થાય છે.

(5:02 pm IST)