Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગાંધીનગરમાં મોબાઈલ ટાવરના બેટરીની ચોરીની ઘટનામાં ભરખમ વધારો થતા પોલીસે દોડધામ હાથ ધરી

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવરોમાંથી છેલ્લા થોડા સમયમાં  બેટરી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પોલીસને સર્વેલન્સ વધારીને આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે તાકીદ કરી હતી. જેના પગલે ચિલોડા ઈન્સ્પેકટર આઈ.એમ.ભુદર દ્વારા પણ ટીમને એલર્ટ કરીને વાહન ચેકીંગની સૂચના અપાઈ હતી. દરમ્યાનમાં ગઈકાલે સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એમ.એચ.સોલંકી અને ટીમ હિંમતનગર હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતા પીકઅપ ડાલા નં.જીજે-ર૭-એક્સ-૮૦૪૧ ઉપર શંકા જતાં તેનો પીછો કર્યો હતો અને તેમાંથી એક શખ્સ ભાગી ગયો હતો જયારે દસક્રોઈના એણાસણના રામેશ્વરનાથ ચકોરનાથ યોગી, ભગવતીલાલ બખ્તાવરજી ગુર્જર, પુરણનાથ ભીમનાથ યોગી અને ઉદેનાથ ધર્માનાથ યોગી પકડાઈ ગયા હતા. ભાગી ગયેલા શખ્સ વિશે પુછતાં તે મોડાસાનો દિપક ગુર્જર હોવાનું જણાવ્યું હતું. ડાલામાં તપાસ કરતાં અલગ અલગ કંપનીની ૧૦૦ નંગ જેટલી બેટરી મળી આવી હતી અને બેટરી ખોલવા માટેનો સામાન પણ મળી આવ્યો હતો. શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતાં હિંમતનગર પાસે મહેસાણા રોડ ઉપર આવેલા મોબાઈલ ટાવરમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલા અને તેમની ટીમે આ ટોળીની પુછપરછ કરતાં દહેગામ રખિયાલના ટેલીફોન એકસચેન્જમાં થયેલી ચોરી, ગલુદણ ગામે મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી અને ચંદ્રાલા ગામે મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૮.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:58 pm IST)