Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રેસિડન્સમાં હોસ્પિટલોને કેમ મંજૂરી અપાય છે :હાઈ કોર્ટ

ફાયરસેફ્ટીના મુદ્દે સરકારનો ઉધડો લેતી હાઈકોર્ટ : રાજ્યમાં ફાયર એનઓસી, બિયુ પરમીશન અંગે સચોટ પોલિસી બનાવવા એએમસી અને રાજ્ય સરકારને નિર્દેશ

અમદાવાદ, તા. ૧૧ : રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી હતી. ગત બે મહિનામાં સુનાવણી વખતે હાઇકોર્ટે સરકાર ટકોર પણ કરી છે. જેમાં ફાયર સેફ્ટીનો મુદ્દો પણ છે. ત્યારે આખરે સરકાર ઊંઘમાંથી જાગી છે. ફાયર સેફ્ટી અંગે સરકાર એક્શનમાં આવી છે.

અરજદાર વકીલે કહ્યું હતું કે રાજ્યમાં હજુ પણ બહુમાળી ઇમારતો ફાયર સેફ્ટી વિના ધમધમી રહી છે. સ્કૂલ, કોલેજો અને સ્પેશિયલ બિલ્ડીંગો સહિત ઇંડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે.

ત્યારે સરકારે ફાયર સેફ્ટીને લઇને સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે સ્કૂલ કોલેજોમાં ફાયર સેફ્ટીને લઇને ગંભીર પગલાં ભરી રહ્યા છીએ. ફાયર સેફ્ટી મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે. જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગને પણ કામગીરીમાં તકલીફ પડી રહી છે. ઘણીવાર એકમો અને સ્કૂલોને બીયુ પરમિશન પણ હોતી નથી. 

ત્યારે હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતાં પ્રશ્ન કર્યો હતો કે સરકારે ફાયર સેફ્ટી અંગે શું-શું કામગીરી કરી. ઘણી હોસ્પિટલો રેસિડેન્સમાં હોય છે તો સરકાર કેમ પરમિશન આપે છે. સરકાર ફાયર સેફ્ટીને લઇને મંથરગતિએ કામ કરી રહી છે. હાઇકોર્ટના નિર્દેશ મુજબ પગલાં લો. હાઇકોર્ટ એએમસી અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે ફાયર એનઓસી અને બિયુ પરમીશન અંગે સચોટ પોલિસી બનાવવામાં આવે અને સમસ્યાનો નિકાલ કરો.

રાજ્યની મહાનગર પાલિકાએ હાઇકોર્ટ સમક્ષ વિસ્તૃત સોગંધનામું રજૂ કર્યું હતું. સ્કૂલ, કોલેજ, અને કોર્પોરેટ હાઉસમાં બિયુ પરિમિશન અને ફાયર સેફ્ટી છે કે નહી. પહેલાં અને અત્યારે હાઇરાઇઝ બિલ્ડીંગ અને હોસ્પિટલોની પરિસ્થિતિ કેવી છે તેની ઉપર વાત કરવી જરૂરી છે. બિલ્ડીંગોની એનઓસી અને ફાયર સેફ્ટી ન હોય એવા આંકડા વધી રહ્યા છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં શું પગલાં તે લીધા તે જણાવો. 

સરકારે જવાબ આપતાં કહ્યું કે કાયદ હેઠળ અમે પગલાં ભરતાં જ હોઇએ છીએ. એનઓસી અને બિયુ પરમિશન માટે વધુ સમય આપો. ગેરકાયદેસર બિલ્ડીંગોના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે શું પગલાં લેશો તે તાત્કાલિક જણાવો, હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે તમારી પાસે ટેક્સ કલેક્ટ કરવા માટે પુરતો ડેટા છે. પરંતુ ગેરકાયદેસર બિલ્ડીંગોનો ડેટા નથી. ગત સુનવણીમાં અમે તમને આજ ટિપ્પણી કરી હતી. જે બિલ્ડીંગ પાસે બિયુ પરમિશન નહી હોય તેને સીલ કરવામાં આવશે અથવ તો ડીમોલેશન કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે આગળ કહ્યું કે જે બિલ્ડીંગ પાસે બિયુ પરમિશન નથી તેની પાસે ફાયર એનઓસી ક્યાંથી આવે છે. કેટલીક હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં ચાલતી હોય છે તમે તેમની વિરૂદ્ધ કોઇ પગલાં લીધા કે પછી એજ પ્રકારે ચાલુ રહેવા દેવાની છે. તમે હજુ કેમ કહેતા નથી કે તમે શું પગલાં લેશો.

કાયદાના એક્ટ હેઠળ કામગીરી થઇ રહી છે તેની ગેરન્ટી છે. તમારી પાસે કોઇ સોલ્યૂશન નથી. આગામી સુનાવણી દરમિયાન કોર્પોરેશન અને સરકાર અમને કોક્રીંટ પ્લાન અને કાયમી નિરાકારણ આપે. આગામી દસ વર્ષ સુધી આપણે રાહ જોવી નથી, આ વખતે આનું નિરાકારણ લાવવું છે. હવે સમય નહી મળે નિરાકરણ જોઇએ. અત્યાર સુધી અમે તમને ઘણો સમય આપી ચૂક્યા છીએ.

સરકારે કહ્યું હતું કે અમે બિલ્ડીંગો સીલ કરીશું અથવા નવી બિલ્ડીંગોને શરૂ કરવાની પરમિશન નહી આપીએ. અમે કોર્ટને નિરાશ કરીશું નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે આદેશ આપ્યો કે, બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ ઇમારતોની યાદી તમામ શહેરો અને નગરપાલિકાઓ રજૂ કરે. ત્યારે અમદાવાદ મ્યુનિ.એ બીયુ પરમિશન, ફાયર સેફ્ટી નહિ ધરાવતા ૧૩૦૦ થી વધુ ઓફિસો, દુકાનો, હોટેલ, સ્કૂલો, રેસ્ટોરાં સહિતના એકમોને સીલ કર્યા છે. તો બીજી તરફ, સુરતમાં પણ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે.

(7:39 pm IST)