Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વ્યાજદરોમાં વધારો અને ડેટ ફંડ્સ

મયુખ દત્તા, હેડ પ્રોડક્ટ – સ્ટ્રેટેજી એન્ડ કમ્યુનિકેશન. મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા

શાર્પ ટર્ન

છેલ્લાં બે વર્ષમાં આપણે વ્યાજદરોમાં નોંધપાત્ર ઘટાડો તથા સમગ્ર ધ્યાન વૃદ્ધિને વેગ આપવા ઉપર કેન્દ્રિત હોવાનું જોયું છે. જોકે, મહામારીના અંત સાથે બીજી ચિંતાઓ પેદા થઇ છે. નબળા વૈશ્વિક પરિબળો, બોન્ડની ઉપજોમાં વધારો, ફુગાવાના સતત ઉંચા દર, રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત અનિશ્ચિતતાઓ તેમજ યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારાને કારણે માર્કેટ દબાણ હેઠળ છે. આપણે ઇક્વિટી માર્કેટમાં જંગી આઉટફ્લો જોયો છે તથા ડેટ માર્કેટ ઉપર દબાણ સર્જાઇ રહ્યું છે.

ભારત અને સમગ્ર વિશ્વ માટે ફુગાવો ચિંતાનું મોટું કારણ છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ફુગાવો દાયકાઓના ઉંચા સ્તરે છે. ભારતમાં એપ્રિલ મહિના માટે ફુગાવાનો દર 7.97 ટકા હતો, જ્યારે યુએસમાં તે 8.3 ટકા (વર્ષ 1981 બાદ સર્વોચ્ચ) હતો. આથી મોટાભાગની મધ્યસ્થ બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. ઘરેલુ સ્તરે પણ વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે કારણકે આરબીઆઇએ તેનું ધ્યાન વૃદ્ધિથી હટાવીને આગામી સમયમાં ફુગાવો ટાર્ગેટની અંદર રહે તે સુનિશ્ચિત કરવા ઉપર કેન્દ્રિત કર્યું છે.

વર્ષની શરૂઆતમાં ક્રૂડ ઓઇલની ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારો થયો હતો તેમજ ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાની પણ ફુગાવાના દર ઉપર અસર થઇ રહી છે. આગામી કેટલાંક સમય માટે ફુગાવો ઊંચા સ્તરે રહેવાની ધારણા છે. આથી તેને અંકુશમાં રાખવા વ્યાજદરોમાં સતત વધારો થઇ શકે છે. તેની ધિરાણદરો ઉપર અસર વર્તાઇ શકે છે. જોકે, ડિપોઝિટના દરો ઉપર તેની અસર જોવા મળી નથી. બેંકો પાસે પર્યાપ્ત તરલતા છે તેમજ લોનની માગ ઓછી હોવાથી તેમણે ડિપોઝિટ દરોમાં વધારો કરવાની હાલ કોઇ જરૂર નથી. ધિરાણદરોમાં વધારાથી કોર્પોરેટ્સ માટેનો ઋણ ખર્ચ વધશે, જેની સીધી અસર આર્થિક વૃદ્ધિ ઉપર થશે. ઇંધણ ઉપરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, એલપીજી સબસીડી તેમજ ફૂડ અને ફર્ટિલાઇઝર સબસીડીમાં વધારો કરવાના સરકારના પ્રયાસોથી તેની આવકો ઘટશે અને તેના પરિણામે સરકારની ઉધારી વધી શકે છે.

 

તેમાં રોકાણકારો માટે શું છે?

ઇક્વિટીની માફક ડેટ માર્કેટ પણ વિવિધ સાઇકલ્સમાંથી પસાર થાય છે. તાજેતરમાં ઘરેલુ અને વૈશ્વિક બોન્ડ ઉપજોમાં વધારાને કારણે ટ્રેડેડ બોન્ડ્સ અને ડેટ ફંડ રિટર્નના મૂલ્યમાં ઘટાડો થયો છે. ઇક્વિટીમાં સામાન્ય રીતે આર્થિક સાઇકલને આધારે વ્યૂહાત્મક રોકાણ થાય છે તેમજ સેક્ટરના એક્સપોઝરથી વોલેટાલિટીમાં પણ લાભ થાય છે તથા સારું વળતર મળે છે. આજ પ્રકારે ડેટની કામગીરી ઇન્ટરેસ્ટ રેટ સાઇકલ આધારિત હોય છે, જેમાં ડેટ સ્કીમ કેટેગરીમાં રોકાણ કરાય છે અને પરિણામે વ્યક્તિ ખૂબજ સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન પ્રાપ્ત કરી શકે છે.

 

વર્તમાન પરિસ્થિતિને જોતાં નીચે મૂજબના કેટલાંક વિકલ્પો રોકાણકારને ઉપયોગી બની શકે છે.

વ્યાજદરોમાં સતત વધારાની સ્થિતિમાં શોર્ટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણ કરવું આદર્શ રણનીતિ સાબિત થઇ શકે છે. તેનાથી ઉપજોમાં વધારાથી નુકશાન ન્યૂનતમ કરવામાં મદદ મળે છે તેમજ ઉંચી ઉપજો ઉપર પુનઃરોકાણનો પણ લાભ મળે છે. આ ફંડ્સ શોર્ટ ટર્મ પેપર્સમાં રોકાણ કરે છે અને તે પાક્યાં બાદ નાણાને સારા યિલ્ડ પેપરમાં ફરીથી રોકે છે. નીચે મૂજબના ડેટા સૂચવે છે કે કેવી રીતે શોર્ટ ટર્મ ફંડ્સમાં રોકાણે વ્યાજદરોમાં વધારામાં સારું પ્રદર્શન કર્યું છે.

ઉપાર્જિત વ્યૂહરચનાઓને અનુસરતા ફંડ્સમાં રોકાણ કરો, જેથી વ્યાજદરોનું જોખમ ઘટાડી શકાય. બાય એન્ડ હોલ્ડ અભિગમને અનુસરતા ફંડ્સ સારો વિકલ્પ બની શકે છે. રોકાણકારો પેપર્સની પાકતી તારીખ સુધી રોકાણ જાળવી રાખે છે, જેથી તેઓ પેપર્સની કૂપનમાંથી લાભ મેળવી શકે છે.

 

માર્કેટમાં વોલેટાલિટી હોવા છતાં પણ લાંબાગાળાના ફંડ્સની ઉપજો વધી છે અને તે આકર્ષક પણ જોવાઇ રહ્યાં છે, પરંતુ રોકાણકારો લાંબાગાળાના રોકાણ સાથે ઉચ્ચ ઉપજ ઇચ્છે તો તેઓ એસઆઇપી શરૂ કરી શકે છે, જેથી વોલેટાલિટી ઘટાડી શકાય અને પાકતી તારીખ અથવા રેટ સાઇકલમાં પુનઃબદલાવ સુધી રોકાણ જાળવીને લાભ લઇ શકાય.

રોકાણકારો ગેરંટેડ રિટર્ન ડિપોઝિટ જેવા પરંપરાગત ઇનસ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરી શકે છે, જ્યાં દરોમાં ફેરફાર લાંબા સમયે થાય છે. ડેટ ફંડ્સ વ્યાજદરોમાં પરિવર્તનને પ્રદર્શિત કરવામાં સૌથી ઝડપી હોય છે. વર્તમાન સ્થિતિમાં રેપોરેટ વધ્યો હોવા છતાં ડિપોઝિટના દરો લગભગ સમાન જ રહ્યાં છે કારણકે માર્કેટમાં હજૂપણ ઘણી લિક્વિડિટી છે. ડેટા માર્કેટ ઉપજોમાં વધારાને ત્વરિત રિફલેક્ટ કરે છે, જેથી તે આદર્શ વિકલ્પ બને છે.

એક ગેરમાન્યતા છે કે વ્યાજદરોમાં ઘટાડાની સ્થિતિમાં જ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોને લાભ થાય છે. જોકે, રોકાણકારો તેમના જોખમની ક્ષમતાઓ તથા વૈવિધ્યસભર પોર્ટફોલિયો તૈયાર કરવાના લક્ષ્ય અનુરૂપ વિવિધ ડેટ ફંડ કેટેગરીમાંથી ઉત્તમ ફંડ્સ પસંદ કરી શકે છે, જે વ્યાજદરોની વિવિધ સ્થિતિમાં પણ સંપત્તિ સર્જનમાં ઉપયોગી બની શકે. ઇક્વિટીએ રોકાણકારોને એસઆઇપી દ્વારા લાંબાગાળાના લક્ષ્યાંકો વિશે શીખવ્યું છે. આજ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં લાંબાગાળાના રોકાણકારોને પણ લાગુ પડે છે, જેમાં તેઓ વિવિધ વ્યૂહરચનાઓ દ્વારા ડેટમાં વોલેટાલિટી સમજીને રોકાણ કરીને અવરોધોમાં પણ આગળ વધી શકે છે.

(11:59 am IST)