Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ધો.૧૦માં ઓછુ પરિણામ લાવનાર ગ્રાન્‍ટેડ શાળાઓ શિષણ વિભાગનાં રડારમાં : ઓછુ પરિણામ લાવવા બદલે ૧૨૦૦ શાળાઓને દંડ ભોગવવો પડશે !

૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનાર ૧૦૦૭ શાળાઓની ગ્રાન્‍ટમાં કાપ મુકવામાં આવશેઃ રાજ્‍યની ૧૨૧ શાળાઓનુ પરિણામ ૦ ટકા આવ્‍યુ

અમદાવાદ તા.૧૧ : ધો.૧૦નુ પરિણામ થોડા દિવસ અગાઉ જ જાહેર થયુ છે. પરંતુ રાજ્‍યની ૧૨૦૦ ગ્રાન્‍ટેડ શાળઓ માટે આ પરિણામ નિરાશાજનક રહ્‍યુ છે. જેને લઈ સંચાલાકો ચિંતામાં મુકાયા છે. રાજ્‍ય સરકારનાં નિયમો અનુસાર ૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાઓની ગ્રાન્‍ટમાં કાપ મુકવામાં આવશે. જ્‍યારે શર્મનાક વાત તો એ છે કે રાજ્‍યની ૧૨૧ શાળાઓનુ પરિણામ ૦ ટકા આવ્‍યુ છે. અત્રે ઉલ્‍લેખનિય છે કે, અગાઉ ગ્રાન્‍ટનાં કારણે ૧૫૦૦થી વધુ શાળઓ બંધ થઈ ચુકી છે.

અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ઓછું પરિણામ લાવનારી ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ વિભાગના રડારમાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી 1007 શાળાઓ સામે આવી છે. આ ઓછા પરિણામવાળી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટમાં કાપ મુકવામાં આવશે. તો રાજ્યમાં 121 શાળાઓ એવી છે, જેનું પરિણામ 0 ટકા રહ્યું છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નીચું પરિણામ લાવનારી શાળાઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

ધોરણ 10 બોર્ડના પરિણામ બાદ અનેક રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકોની વધી ચિંતા ગઈ છે. કારણ કે, શિક્ષણ વિભાગના નિયમ મુજબ રાજ્યની 1200 જેટલી શાળાઓને ગ્રાન્ટ નાં મળે એવી સ્થિતિ સર્જાઈ. શિક્ષણ વિભાગનો નિયમો એવો છે કે, 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની ગ્રાન્ટ કાપી લેવાતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે, પરંતુ આ વખતે રાજ્યમાં ધોરણ 10માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા 1,007 છે. તેમજ રાજ્યમાં 121 એવી શાળાઓ છે, જેનું પરિણામ 0% આવ્યું છે, નિયમ મુજબ આ તમામ શાળાઓની ગ્રાન્ટ કપાશે. 

જો કે ભૂતકાળમાં સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે મૌખિક રીતે કહ્યું હતું કે ગ્રાન્ટેડ શાળાની પરિણામ આધારિત ગ્રાન્ટ નહીં કાપવામાં આવે, જો કે કોઈ પરિપત્ર નાં થતા સંચાલકોમાં ચિંતા વધી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગનો અભિગમ હકારાત્મક રહ્યો છે. પંરતુ પરિણામ આધારિત ગ્રાન્ટ નાં કાપવા અંગે હાલ કોઈ પરિપત્ર નથી કરાયો એટલે શિક્ષણ વિભાગે તાત્કાલિક આ બાબતને ધ્યાને લેવી જોઈએ.

શિક્ષણ વિભાગમાંથી પરિપત્ર થઈ જાય તો તેની અમલવારી જે પરિણામ આવ્યું છે એનાથી જ કરવા અંગે જોગવાઈ કરવી જરૂરી છે. કેટલાક હોશિયાર અધિકારીઓ અમલવારી આવતા પરિણામથી થશે જો એવો પેચ ફસાવશે તો સમસ્યા પેદા થશે. ગ્રાન્ટેડ સ્કૂલને એક વર્ષ દીઠ 3,000 રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે, જે વર્ષે 36,000 રૂપિયા જેટલી થતી હોય છે. આ રકમ સરકાર માટે મોટી નથી પણ જો ગ્રાન્ટેડ સ્કૂલને નાં આપવામાં આવે તો તેનું નુકસાન શાળાને તો છે જ સાથે સંચાલકોને પણ થાય છે. 

જો ગ્રાન્ટ કપાઈ જાય તો સ્કુલનું ટેક્સ બિલ, લાઈટ બીલ, ઈન્ટરનેટ ખર્ચ, સહિત અનેક ખર્ચા કરવા માટે સમસ્યા ઊભી થાય છે. ભૂતકાળમાં ગ્રાન્ટની સમસ્યાને કારણે રાજ્યમાં 1,500 કરતા વધુ શાળાઓ બંધ ચૂકી છે, જેના કારણે સૌથી વધુ સમસ્યા ગરીબ વાલીઓ કે જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમને થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં જો એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થાય તો બાળકનો અભ્યાસ તો છૂટી જ જાય છે, અથવા બાળક અનેક કિમી દૂર અભ્યાસ કરવા જવા મજબુર થાય છે અથવા બાળકને ફરજિયાત ખાનગી શાળામાં મોંઘી ફી ભરી અભ્યાસ કરાવવો પડે છે.

(5:37 pm IST)