Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઝાડ સાથે લટકેલ યુવતીનું લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

બનાસકાંઠા:જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારીયા ગામની યુવતીની લાશ ઝાડ સાથે લટકતી હાલતે મળી આવતાં  આડાસબંધની શંકાના આધારે યુવતીના સગાંએ ચડોતરું કરી ગઈકાલે ગઢડાના યુવાનના મકાનમાં તોડફોડ કરી સળગાવી માલસામાનને કૂવામાં ફેંકી દીધાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં આજે વધુ એક ચડોતરુ જેવી ગંભીર ઘટનાને નોંતરુ દેતો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.  જેમાં અમીરગઢના બાલુન્દ્રા ગામે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં જમાઈનો  મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ગઈકાલના ગઢડાની ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અમીરગઢના રબારીયા ગામની યુવતીનો મૃતદેહ મળી આવવાના પગલે તેણીના પરિવારજનોએ ગઢડાના યુવાન સાથેના પ્રેમસબંધની શંકા રાખી યુવકના મકાનની તોડફોડ, આગચંપીની ઘટના બાદ આજે  બાલુન્દ્રા ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જમાઈ યુવાનની લાશ મળી આવતાં હાહાકાર મચી ગયો હતો.  અમીરગઢ તાલુકાના ગાંજી (પાદની) ગામના રહીશ ચંદુભાઈ મોતીભાઈ માણસા ચાર-પાંચ દિવસ અગાઉ બાલુન્દ્રા ગામે સાસરે આવ્યાં હતા. દરમિયાનમાં આજે ગામની સીમમાં ચંદુભાઈનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં જમાઈ ચંદુભાઈનો મૃતદેહ લટકતો મળી આવતાં નાનકડાં બાલુન્દ્રા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. જેની જાણ થતાં મૃતક  ચંદુભાઈ (રહે.ગાંજી-પાદની )ના પરિવારજનો બાલુન્દ્રા ગામે દોડી આવ્યાં હતા અને યુવક  ચંદુભાઈની હત્યા કરી હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. છેલ્લાં ત્રણ દિવસથી યુવાનનો મૃતદેહ ઝાડ સાથે લટકી રહ્યો છે. મરનારના પરિવારજનોએ યુવકના મોતનું કારણ જાણવા નહીં મળે અને તેના સાસરિયા જવાબ ના આપે ત્યાં સુધી લાશને સ્વીકારવાની ના પાડી દીધી હતી. બનાવની જાણ થતાં જ અમીરગઢ પોલીસ કાફલો બાલુન્દ્રા  ગામે ઉતરી પડયો હતો અને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

(6:41 pm IST)