Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નડિયાદના મરીડા દરવાજા નજીક ઉભરાતી ગટરના ત્રાસથી લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

નડિયાદ : નડિયાદ શહેરની વસ્તી અને વિસ્તાર જોતાં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય બાબત છે. જેથી શહેરમાં દરરોજ કોઈને કોઈ એકાદ સ્થળે ગટર ઊભરાવવાની સમસ્યા જોવા મળે છે. નડિયાદના ઐતિહાસિક મરીડા દરવાજા આગળ  ઉભરાયેલી ગટરનું ગંદુ પાણી ભરાઈ જવા પામ્યુ છે. 

આ ઉપરાંત માઈ મંદિર જવાના રસ્તામાં ઘણા દિવસોથી ગટર ઉભરાય છે. જેથી લોકોને ગંદુ પાણી ડહોળી અવરજવર કરવી પડતી હોય ભારે રોષ વ્યાપ્યો છે. નડિયાદ શહેરના વોર્ડ નંબર છ માં મરીડા દરવાજા વિસ્તારમાં પંપીંગ સ્ટેશન આવેલ છે. આ પંપીંગ સ્ટેશન નજીક માં જ ગટર ઉભરાઇ રહી છે. આ ગટરનું ગંદુ પાણી મરીડા દરવાજાના રસ્તામાં ભરાઈ ગયું છે. જેથી ભર ઉનાળે ચોમાસુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. મરીડા દરવાજાના રસ્તામાં ગટરના ગંદા પાણી ભરાતા લોકોને વાહનચાલકોને અવર-જવર કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે. વળી,આ ગંદુ પાણી ભારે દુર્ગંધ મારતું હોય સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ ઉપરાંત નડિયાદ માઇ મંદિર જવાના રસ્તામાં છેલ્લા થોડા દિવસોથી ગટર ઉભરાય છે. આ ગટરનું પાણી ગરનાળાની આજુબાજુ ભરાયેલું જોવા મળે છે. લોકોની અવરજવરથી ધમધમતા રોડ પર ઉભરાતા ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહે છે, છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોના પશ્રોનુ વહેલી તકે સાફ સફાઈ કરાવવા લાગણી વ્યાપી છે.

(6:43 pm IST)