Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સુરતના મોટા વરાછાના આંકડિયા હનુમાનજીના મંદિરમાંથી ઘંટડી સહીત દાનપેટીની ચોરી કરનાર તસ્કરોને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત: મોટા વરાછાના ખળી ફળીયામાં આવેલા આંકડીયા હનુમાનજી મંદિરમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો પીત્તળની ઘંટડી અને દાનપેટી મળી વિગેરેની ચોરી કરીને ભાગી ગયા હતા. જો કે પોલીસ તપાસમાં ઘંટડી અને દાનપેટી મોટા વરાછાના ભંગાર વાળાને ત્યાંથી મળી આવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મોટા વરાછાના ખળી ફળીયામાં આવેલા આંકડીયા હનુમાનજી મંદિરમાં ગત રાત્રે ચોર ત્રાટકયા હતા. ચોર મંદિરની પીત્તળની ઘંટડી અને દાનપેટી કે જેમાં અંદાજે 4 થી 5 હજાર રૂપિયા હતા તે ચોરીને ભાગી ગયા હતા. મંદિરના સંચાલક રાકેશ મનહર પટેલ (ઉ.વ. 42 રહે. ખરી ફળીયું, રામ ચોક, મોટા વરાછા) સવારે દર્શન કરવા માટે ગયા ત્યારે ઘંટડી અને દાનપેટી નજરે નહીં પડતા પૂજારી મણીલાલ ચૌધરીની પૃચ્છા કરી હતી.

પરંતુ તેઓ પણ ચોરી થયા અંગેની બાબતથી અજાણ હતા. જેથી ઘટના અંગે મંદિરના સંચાલક રાકેશ પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તપાસ અંતર્ગત પોલીસને મોટા વરાછા વિસ્તારમાં ભંગારનો ધંધો કરનારને ત્યાંથી પીત્તળની ઘંટડી અને દાનપેટી મળી આવતા ભંગારના વેપારીની પૂછપરછ હાથ ધરી છે. 

(6:45 pm IST)