Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોટેરા સ્ટેડિયમનું નામ બદલવા સરદાર સન્માન સંકલ્પ યાત્રા યોજાશે

મોટેરા સ્ટેડિયમના નામને લઈને ફરી વિરોધનો વંટોળ : આ યાત્રાને પાસનું પણ સમર્થન મળ્યું , પાસ દ્વારા પણ ગુજરાત સરકારને આ બાબતે ચીમકી આપવામાં આવી

અમદાવાદ, તા.૧૧ : મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયનું નામ બદલવાને લઈને હવે વિરોધ સામે આવ્યો છે. મોટેરાના સ્ટેડિયમનું રિનોવેશન થયા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. એ સમયે પણ આ નામને લઈને વિરોધ સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

હવે સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને પાસનું પણ સમર્થન મળ્યું છે. પાસ દ્વારા પણ ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ પણ આ યાત્રામાં જોડાવવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં સરદાર પટેલનું અપમાન ગણાવીને યાત્રા દ્વારા વિરોધ કરવામાં આવશે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે બારડોલીથી અમદાવાદ સુધી સરદાર સન્માન સંકલ્પ યાત્રા યોજાશે, એવા અહેવાલ સામે આવ્યા છે. ૧૨ જૂન રવિવારે બારડોલી આશ્રમથી યાત્રા નીકળશે અને ૧૩ જૂન સોમવારે મોટેરા સ્ટેડિયમે પહોંચશે. નોંધનીય છે કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન થયા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયા બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

સરદાર પટેલનું નામ પનુઃસ્થાપિત કરવા માટે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતગર્ત ૧૨ જૂન રવિવારે બારડોલી આશ્રમથી યાત્રા નીકળશે અને ૧૩ જૂન સોમવારે અમદાવાદના મોટેરામાં આવેલા સ્ટેડિયમ સુધી યાત્રા યોજાશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાય એવી અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ, આ યાત્રાને પાસનું પણ સમર્થન મળ્યું છે.

એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આ આંદોલન શરુ કરવામાં આવશે. સરદાર સન્માન સંકલ્પ દ્વારા અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે આંદોલન શરુ કરવામાં આવશે. જેથી બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મોટેરામાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. જેને લઈને વિવાદ ઊભો થયો છે. જેના વિરોધમાં સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

(7:49 pm IST)