Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબ ડો.પ્રશાંત જરીવાલાએ અમૃત મહોત્સવની સાયકલિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે માનસિક આરોગ્યના નિષ્ણાત તરીકે ફરજ બજાવતા મૂળ સુરતના રહેવાસી મનોચિકિત્સક ડો. પ્રશાંત જરીવાળાએ સુરત ખાતે યોજાયેલ 24-સુરત લોકસભા અમૃત મહોત્સવ સાંસદ ખેલ સ્પર્ધામાં સાયકલિંગ કોમ્પિટિશન માં 30 થી 50 વર્ષ ની વયજુથ માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. માનનીય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, રેલવે અને ટેકસટાઇલ મંત્રી, ભારત સરકાર, દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત તારીખ 7 જૂનથી 10 જૂન સુધી વિવિધ વય જૂથ માટે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં સાયકલિંગમાં  ડો. પ્રશાંત જરીવાળાએ વિજેતા બની રાજપીપલાનું નામ રોશન કર્યું છે.
માનસિક આરોગ્યના નિષ્ણાંત હોવાની સાથે ડો. પ્રશાંત જરીવાળા એક ખૂબ સારા સાયકલીસ્ટ અને એથલીટ છે, જેઓ તંદુરસ્ત રહેવા માટે પોતાની પાસે આવતા દર્દીઓને અલગ અલગ શારીરિક અને માનસિક કસરત જેવી કે સાયકલિંગ, રનિંગ, વોકિંગ, જોગિંગ, યોગા, મેડિટેશન, પ્રાણાયામ વગેરે રેગ્યુલર રીતે કરવાની સલાહ આપતા હોય છે. સ્વાભાવિક છે કે તેમની પોતાની આવી સારી આદતને કારણે જ આજે ડો. પ્રશાંત જરીવાળા ને સિદ્ધિ હાંસલ થઈ છે.
ડો. પ્રશાંત જરીવાળા આપ સૌને પણ કોઈપણ બીમારી આવતા પહેલા જ શારીરિક અને માનસિક કસરતો ચાલુ કરી દેવાની સલાહ આપે છે, તેમનું કહેવું છે કે "એક તંદુરસ્ત શરીર માં જ એક તંદુરસ્ત મન રહેતું હોય છે". તો આપ પણ આજથી જ કોઈપણ શારીરિક અને માનસિક કસરત અપનાવીને એને પોતાના જીવનનો એક દૈનિક ભાગ બનાવીને તંદુરસ્ત જીવનનો આનંદ માણો.

(11:04 pm IST)