Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો: એલર્ટને પગલે વધુ પોલીસ કર્મીઓની ફાળવણી

ખાનગી સિક્યુરીટી વ્યવસ્થામાં પણ વધારો કરાયો :મંદિર પરિસર પર પણ પોલીસ દ્વારા તમામ હિલચાલ પર ચાંપતી નજર

અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શામળાજી મંદીરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આંતકી ધમકીઓને પગલે દેશ અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવાઈ છે, આવી સ્થિતીમાં શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા માટે વધારો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, સાથે જ ખાનગી સિક્યુરીટી વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસર પર પણ પોલીસ દ્વારા તમામ હિલચાલ પર નજર ચાંપતી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પુનમ આવતી હોઈ તેમજ એ દિવસે લક્ષદ્વીપ અને દમણ-દિવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલ દર્શને આવતા હોઈ સુરક્ષા વ્યવસ્થામાં ચુક ના રહી જાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સીધુ મોનિટરીંગ હાથ ધરાયુ છે.

એસપીએ અરવલ્લી દ્વારા મંદિરની સુરક્ષા અંગે સમિક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિરની સુરક્ષા માટે જરુરી પોલીસ ફોર્સનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ મંદિર પરીસરમાં સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા માટે ખાનગી સિક્યુરીટીને પણ વધારી દેવામાં આવી હતી. મંદિર પરીસરમાં 10 પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે. સાથે જ શામળાજી નજીક આવેલ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

મોડાસા વિભાગીય ડીવાયએસપી ભરત બશીયાએ જણાવ્યુ હતુ કે,  આંતકી સંગઠન દ્વારા ભારતમાં હુમલાની દહેશત વર્તાઈ રહી છે. જેને લઈને અરવલ્લી જિલ્લામાં પણ એલર્ટને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને શામળાજી મંદિર ખાતે પણ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. જિલ્લામાં શંકાસ્પદ વાહનોનુ ચેકિંગ પણ ચેકપોસ્ટો પર કરવામાં આવી રહ્યુ છે. જિલ્લામાં તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ પણ શરુ કરવામાં આવ્યુ છે. આંતર રાજ્ય ચેકપોસ્ટ ખાતે પણ ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે કહ્યુ હતુ કે,  ધાર્મિક સ્થાનો પર હુમલાની દહેશતને લઈને અમે પણ મંદિરની સુરક્ષા ટ્રસ્ટ દ્વારા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. મંદીર ટ્રસ્ટ દ્વારા મંદિરના સિક્યુરીટી કર્મચારીઓમાં વધારી દીધા છે. અમે અમારા 5 થી 7 કર્મચારીઓનો વધારો કર્યો છે.

(11:14 pm IST)