Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમદાવાદના રીલીફ રોડ પરના મૂર્તિ મંત કોમ્પ્લેક્ષ સીલ : સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ જણાતા મ્યુનિ.ની કાર્યવાહી

469 જેટલા મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓમાં પણ તપાસ

અમદાવાદ: કોરોના મહામારીમાં સરકાર દ્રારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું પાલન થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા છેલ્લાં એક સપ્તાહથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.તેના ભાગરૂપે જ મંગળવારના રોજ રીલીફ રોડ પરના મૂર્તિ મંત કોમ્પ્લેક્ષને સીલ કરાયું હતું.

તેની સાથોસાથ તહેવારોને ધ્યાનમાં લઇને 469 જેટલાં શહેરના મંદિરો, મસ્જિદો, ગુરુદ્રારાના વહીવટદારો તથા વ્યવસ્થાપકોને મળીને કોરોના સંક્રમણ અટકાવવા માટે તકેદારી રાખવાની સમજ આપી હતી.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારના જાહેરનામા અનુસાર ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 150 ટીમો દ્રારા સાત ઝોનના 48 વોર્ડમાં આવેલી ઓફીસો, શોપીંગ મોલો, દુકાનો, માર્કેટો વગેરે જગ્યાએ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ચેકીંગ દરમિયાન માસ્ક ન પહેરવા કે સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ હોય તેવા મોટા શો રૂમ કે પછી મોલને સીલ તથા મોટી પેનલ્ટી કરવાની કાર્યવાહી છેલ્લાં અઠવાડીયામાં કરવામાં આવી છે.તેના ભાગરૂપે જ આજે રીલીફ રોડ પરના મૂર્તિ મંત કોમ્પ્લેક્ષમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળતાં તેને પણ સીલ મારવામાં આવ્યું હતું.

દર વર્ષની માફક આ તહેવાર ઉજવવામાં આવે તો મોટાપાયા પર સંક્રમણ થવાની શક્યતા છે.તેથી ટીમો દ્રારા શહેરમાં આવેલા મંદિરો, મસ્જિદો, ગુરુદ્રારા સહિતના અન્ય ધાર્મિક સ્થાનો પર કોરોના સંક્રમણ અટકાવવા માટે રાખવાની થતી તકેદારીઓ અંગેની જાણકારી આપી હતી.

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને 122 યુનિટોને સીલ કર્યા છે. જેમાં રિલીફ રોડ પરના મૂર્તિમંત કોમ્પલેક્ષની 120 દુકાનોનો સમાવેશ થાય છે. આજે દિવસભર 484 કેસો કરીને 4.84 લાખનો દંડ વસુલ કર્યો છે.

ગુજરાત સરકારે આજથી માસ્ક વિના ફરતા વ્યક્તિ પાસેથી 1 હજાર રૂપિયા દંડ વસુલ કરવાની જાહેરાત કરી હતી.

(9:54 pm IST)