Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

હિમતનગરના ગાંભોઇ ગામના ખેતરમાં થોડા દિવસ પહેલા દાટેલી હાલતમાં જીવિત બાળકી મળી આવતા અઠવાડીયાની સારવાર બાદ મોત નિપજ્‍યુ

પોલીસે બાળકીના માતા-પિતાની ભિલોડાના નંદાસણ ગામેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

હિમતનગરઃ થોડા દિવસ પહેલા હિમતનગરના ગાંભોઇ ગામે ખેતરમાં દાટેલી જીવિત બાળકી પર ખેત મજુરનું ધ્‍યાન જતા 108ને જાણ કરી હતી. બાદમાં બાળકીને હિમતનગર સિવિલ હોસ્‍પિટલમાં સારવાર આપતા આઠમા દિવસે તેણીએ દમ તોડયો હતો. બનાવની જાણ થતા પોલીસે તેના માતા-પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસો અગાઉ હિંમતનગરના ગાંભોઇમાં ચકચારી ઘટનાને રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ગાંભોઈમાં જીઇબી પાસે ખેતરમાં નવજાત બાળકી દાટેલી મળી આવી હતી અને તેના પગ હલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા GEBના કર્મચારીઓએ ખેતરમાં પહોંચી બાળકીને બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સની મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા કેટલાક દિવસથી બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે સમય પહેલાં લગભગ સાત મહિનામાં પેદા થઇ હતી તેથી તેનું વજન ફક્ત 1 કિલો હતું. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી દફન રહી હતી. સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. પરંતુ ત્યારબાદ નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે વેન્ટીલેટર પર હતી. અને ચેપનું પ્રમાણ અને કમળાની અસર પણ ઓછી થઇ હતી. જોકે આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.

શું હતી ઘટના?

હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખોડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. પોલીસે બાળકીના માતા પિતાની ભિલોડાના નંદાસણ ગામથી તેમની ધરપકડ કરી લીધી છે.

(5:23 pm IST)