Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર કરી: જંતુનાશક દવાઓનો છંટકાવ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે થશે ડ્રોનનો ઉપયોગ

ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે

અમદાવાદ: ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં એક નવતર કદમ ભર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર કરી છે. રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ પોલિસી જાહેર કરવામાં રાખ્યો છે.

ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે. તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોંચ કરેલા છે. ડ્રોનની વૈશ્વિક પહોચની વિપુલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે.

– આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું.

યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનો રવૈયો પણ દાખવ્યો છે. આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે. આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે. રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે.

રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકીંગ અને બોર્ડ, સંસ્થાઓ 6 મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારીત કરશે.

(5:31 pm IST)