Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

આણંદના ઇસ્માઇલ નગર વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી કંટાળી લોકોએ નગરપાલિકાની કચેરીમાં હોબાળો મચાવ્યો

આણંદ : આણંદ શહેરના ઈસ્માઈલ નગર વિસ્તારમાં ગત રોજ તોફાને ચડેલ બે ગાયોએ એક મહીલા સહિત બાળકીને અડફેટે લીધા હતા. સાથે સાથે અન્ય આઠ જેટલા વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરીમાં આળસ દાખવતી પાલિકાના સત્તાધીશો સામે આજે ઈસ્માઈલ નગરના સ્થાનિકોેએ ભારે રોષ ઠાલવ્યો હતો અને નગરપાલિકા સંકુલ ખાતે હલ્લા બોલ કરી આણંદ નગરપાલિકા હાય..હાય... ના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ ગત રોજ આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારની બિસ્મીલ્લા સોસાયટી નજીક તોફાનો ચડેલ બે ગાયોએ આતંક મચાવ્યો હતો. જેમાં તહેવાર ટાણે ખરીદી કરવા નીકળેલ એક ૪૫ વર્ષીય મહિલા તથા ૭ વર્ષની બાળાને ગાયે શીંગડે ભરાવતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. સાથે સાથે અન્ય આઠેક જેટલી વ્યક્તિઓ પણ આ વિફરેલી ગાયોથી ઈજાગ્રસ્ત થઈ હતી. છેલ્લા ઘણા સમયથી આણંદ શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ બેફામ બન્યો હોય અને અવારનવાર ગાયોની અડફેટે લોકો આવી રહ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને આજે ઈજાગ્રસ્ત મહિલા તથા બાળકી સહિતના સ્થાનિકોએ પાલિકા સંકુલ ખાતે હલ્લાબોલ કર્યો હતો.

(6:35 pm IST)