Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજ્યમાં ફરી એક વખત ગ્રેડ પેએ ચર્ચા જગાવી : નાણા વિભાગે પોલીસકર્મીઓના એલાઉન્સ વધારવા માટેની તૈયારીઓ દાખવી

રાજ્ય સરકાર પોલીસ ગ્રેડ પેમાં વધારો કરવાના મૂડમાં નથી ! : ગૃહ વિભાગે પોલીસને મળતા એલાઉન્સનો અભ્યાસ કરીને વધારા અંગે બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી

ગાંધીનગર તા.11 : પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. પરંતુ હાલ મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર પોલીસ ગ્રેડ પેમાં વધારો કરવાના મૂડમાં નથી. પરંતુ અન્ય ભથ્થાઓ વધારવાની સરકાર તૈયારી કરી રહ્યું હોવાનુ મનાય છે.

જોકે હાલમાં જ નાણાં વિભાગ સાથેની ગૃહ વિભાગની એક મહત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નાણા વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના એલાઉન્સ વધારવા માટેની તમામ તૈયારીઓ દાખવી છે જો કે સરકાર પોલીસ પે ગ્રેડ આપવા જાય તો સરકાર ને આર્થિક બોઝો પડી શકે તેમ છે. જેથી એલાઉન્સ આપવામાં માટે નાણાં વિભાગે તૈયારી દાખવી છે. જેથી ગૃહ વિભાગે પણ પોલીસને મળતા એલાઉન્સનો અભ્યાસ કરીને કેટલો વધારો કરવો જોઇએ તેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી. તેમજ ગૃહરાજ્ય પ્રધાન અને મુખ્યપ્રધાનને બતાવી સૂચન લીધુ હતુ. જોકે સીએમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સરકાર જાહેરાત કરી શકે છે.

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એકદમ આક્રમક રીતે ગુજરાતમાં ચુંટણી પ્રચાર કરી રહી છે. ખેડૂતોને મફત વીજળી, માધ્યમવર્ગને વીજળીના બીલમાં રાહત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની પોલીસને આકર્ષવા માટે નવી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને વધુ એક વચન આપ્યું હતું કેસ રાજ્યમાં આપની સરકાર બનશે તો દેશમાં સારામાં સારુ પગારધોરણ ગુજરાત પોલીસનું હશે. તેવામાં કેજરીવાલની આ જાહેરાતથી સરકાર ફફડી હોય તેવું જણાય રહ્યું છે. હકીકતમાં પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે 15 ઓગસ્ટ પહેલા ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

કેજરીવાલની પોલીસકર્મીઓને પગાર આપવાની જાહેરાત બાદ નારાજ પોલીસકર્મીઓએ આ મામલે ત્વરિત તત્પરતા દાખવતાં ગુજરાત સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ છે. ગૃહમંત્રી હર્ષ સંધવીએ આ મામલે બચાવમાં ઉતરી આ મામલે સીએમ સાથે બેઠકો થઈ ગઈ છે અને આ અંગે ત્વરિતમાં નિર્ણય લેવાનો છે, આ મામલે ખોટી રાજનીતિ રમાઈ રહી હોવાનો પોતાનો બચાવ કર્યો હતો. બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ મામલે પણ ગુજરાત સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આપની સરકાર બનાવવામાં અમને અંદરખાને મદદ કરો અમે તમને સારા પગારની ખાતરી આપીએ છીએ. અમે જાણીએ છીએ કે દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાતમાં પોલીસનો છે અમારી સરકાર આવી તો સૌથી વધારે પગાર અમે તમને આપીશું. કેજરીવાલની આ જાહેરાત બાદ જ ગુજરાત પોલીસના મોટાભાગના પોલીસકર્મીઓના સ્ટેટસમાં આ વીડિયો અપલોડ થતાં સરકાર ફફડી ગઈ હતી. તાત્કાલિક પોલીસકર્મીઓના ગ્રેડ પે મામલે નિર્ણય લેવાયો આવ્યો છે. 15 ઓગસ્ટ પહેલાં કે ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં આ મામલે સરકાર જાહેરાત કરી શકે છે. આ મામલે ગૃહમંત્રીએ બચાવ કરતાં જણાવ્યું છે કે અમે આપવાના જ છીએ. આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને આ મામલે રાજકારણ રમાઈ રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના કર્મચારીઓને જણાવ્યું હતું કે, તમે પોતાની નોકરી ખતરામાં ન નાખશો. પોતાની રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરો અને તેની સરકાર બનાવવામાં પૂરેપુરુ બળ લગાવો. આખા દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાક પોલીસને મળે છે. હું ભરોસો આપ છુ કે, અમારી સરકાર બનશે તો સૌથી સારા પગારધોરણ ગુજરાતમાં અમે લાગુ કરાવીશું અને પોલીસની વર્કિંગ કંડિશન સુધારીશુ. અત્યારે તમે જ્યાં છો ત્યાં કામ કરતા રહો, અંદરખાને અમારી સરકાર બનાવવામાં મદદ કરો. તેવામાં હાલ ગુજરાત સરકાર કેજરીવાલની જાહેરાતથી ફફડી છે અને પોલીસના પગાર અંગે ગંભીર વિચારણા કરી રહી છે.

 

 

 

 

(10:59 pm IST)