Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દેડીયાપાડા

તાલુકા પંચાયત કચેરીમાં તિરંગા વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે, ત્યારે સૌ દેશવાસીઓમાં ફરી એકવાર દેશપ્રેમ અને એકતાની લહેર જાગી ઊઠી છે. રાષ્ટ્રભાવનાને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલું “હર ઘર તિરંગા” અભિયાન તા. ૧૩ મી થી ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન તમામ નાગરિકો પોતાના ઘર, ઓફિસ કે કાર્યસ્થળ પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ અભિયાનમાં જોડાનાર છે. તેને અનુલક્ષીને દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાના નેતૃત્વમાં તાલુકા પંચાયત ખાતે “તિરંગા વિતરણ કેન્દ્ર” ઉભું કરાયું છે. જેમાં પ્રજાજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં આવીને અહીંથી તિરંગો લઈ રહ્યાં છે.

તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાએ “હર ઘર તિરંગા” અભિયાનને વધાવતા જણાવ્યું હતું કે, લોકોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના ઉજાગર કરવાના હેતુથી તાલુકા પંચાયત દેડીયાપાડા ખાતે સિવણકામ કરતી સ્વસહાય જૂથની બહેનો મારફતે ગ્રામ પંચાયતોને રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવ્યા છે. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરવા અને સ્વ-સહાય જૂથોની બહેનોને રોજગારી પૂરી પાડી આર્થિક રીતે પગભર કરવાના શુભ આશય સાથે “હર ઘર તિરંગા” અભિયાન ગરીબ પરિવાકની બહેનો માટે રોજગારીની તકો પુરી પાડવામાં પૂરક સાબિત થયું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે તાલુકામાં સમાવિષ્ટ ગ્રામપંચાયતોના સરપંચો અહીંથી કુલ ૭૫૦૦ રાષ્ટ્રધ્વજ સન્માનભેર લઈ ગયા છે. તેમજ સ્થળ પરથી ૨૦૦૦ જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવેલ છે. સરકાર તરફથી પણ તાલુકાને બીજા ૮૦૦૦ રાષ્ટ્રધ્વજની ફાળવણી કરવામાં આવનાર છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘરે-ઘરે તિરંગા ફરકાવવી આ ઝુંબેશને સફળ બનાવવા સૌ નાગરિકોને હાંકલ કરી છે, ત્યારે તાલુકા પંચાયત દેડીયાપાડા ખાતે તિરંગા વેચાણ કેન્દ્ર શરૂ કરી રૂ. ૨૫/- નજીવા મૂલ્યથી તિરંગાનું વેચાણ-વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે તિરંગો લેવા માટે આવેલા નિવાલ્દા ગામના વતની રાજેશભાઈ વસાવાએ પણ જણાવ્યું કે, અમારા ગામના સરપંચશ્રીએ વોર્ડ મુજબ અને ફળિયામાં બેઠક કરી જાહેરાત કરી હતી કે તાલુકા પંચાયત ખાતે નજીવા મુલ્યથી તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લ્હાવો લઈ દરેક નાગરિકે પોતાના ઘરે તિરંગો લહેરાવી “હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવાનું છે. તાલુકા પંચાયતમાં તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે જેની જાણ અમે સૌ મિત્રો અને ગ્રામજનોને પણ કરી છે

(12:18 am IST)