Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઉતરાયણ પર્વ મનાવવા અમિતભાઇ શાહ આવશે અમદાવાદ

કાલે સાંજે અમદાવાદ પહોંચશે : ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ મનાવશે.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉત્તરાયણ પર્વ મનાવવા માટે ગુજરાતની મુલાકાત લેવાના છે. અહીં તેઓ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરશે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે 13મીં જાન્યુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. જે બાદ અગામી દિવસે 14 જાન્યુઆરી ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ મનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોના સંક્રમણને જોતા વહીવટી તંત્ર દ્વારા કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેમાં ધાબા પર ભીડ ભેગી ના કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ માટે પોલીસ દ્વારા પણ ખાસ ધાબાઓ પર પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે, જ્યારે ડ્રોનની મદદથી વીડિયો ગ્રાફી પણ કરવામાં આવશે.

ઉત્તરાયણના પર્વને લઈને રાજ્યના લોકોનો ઉસ્તાહ જોતા વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે પણ અમિતભાઈ શાહે ઉત્તરાયણનો  પર્વ અમદાવાદમાં મનાવ્યો હતો.

(12:49 pm IST)