Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

રાઘવજીભાઇ પટેલને સારવાર અર્થે મુંબઇ લઇ જવાય તેવી શકયતાઃ પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઇ શિફટ કરવામાં આવશે

ઋષિકેશ પટેલે કહ્યું રાઘવજીભાઇની તબિયત સારી, હાલ તેમની ચાલતી સારવારથી પરિવારને સંતોષઃ હર્ષ સંઘવીએ કહ્યું રાઘવજીભાઇ એક લડાયક નેતા, લાખો લોકોના આશીર્વાદ તેમના ઉપર છેઃ કેન્‍દ્રીય મંત્રી પરસોતભાઇ રૂપાલા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા હોસ્‍પિટલ પહોંચ્‍યાઃ ડોકટરો સાથે કરી ચર્ચા

અમદાવાદઃ કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે. પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 3 વાગ્યાની આસપાસ રાઘવજી પટેલને મુંબઈ શિફ્ટ કરાઈ શકે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલ મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. 

રાઘવજી પટેલની તબિયતને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. હાલ રાઘવજી પટેલની તબીયત સારી છે. તેમજ ગઈકાલે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની ચાલતી સારવારથી પરિવારને સંતોષ છે. 

રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં ' ગામ ચલો અભિયાન'  કાર્યક્રમમાં હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. 

રાઘવજી પટેલને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સવારે ડોક્ટર જોડે વાત કરી હતી. રાઘવજીભાઈ એક લડાયક નેતા છે. લાખો લોકોના આશીર્વાદ તેમના ઉપર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 

(3:29 pm IST)