Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

વાગડના લેઉવા પાટીદારોએ આપણી ગામઠી સંસ્કૃતિનો પાયો હજુ પણ જાળવી રાખ્યો છે : નરેશભાઈ પટેલ

નવી મુંબઈમાં ખારઘરમાં ખારઘર ખાતે નૂતન સમાજવાડીનો ઉદઘાટન સમારોહ અને શ્રી રવેચી માતાજીના મેળાની ઉજવણી

રાજકોટ : મૂળ કચ્છ વાગડના અને હાલ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં વસતાં સમસ્ત કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવી મુંબઈના ખારઘરમાં સરસ્વતી કોલેજ રોડ પર ઉત્સવ ચોકની બાજુમાં નૂતન સમાજવાડીનો ઉદઘાટન સમારોહ અને શ્રી રવેચી માતાજીના મેળાની ઉજવણી અંતર્ગત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે નૂતન સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજથી થોડા વર્ષો પહેલા આ વાગડ લેઉવા પટેલ સમાજ ખેતી કરતો હતો અને ખેતી કરતાં કરતાં મુંબઈ આવીને અન્ય સમાજને ઉદાહરણ પૂરું પાડે તેવું સારું કાર્ય કરી રહ્યો છે તે બદલ આખા વાગડ લેઉવા પટેલ સમાજને અભિનંદન પાઠવું છું. સાથે જ ફાઈવસ્ટાર હોટલને ટક્કર મારે તેવા સમાજ ભવનના નિર્માણ બદલ સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. વાગડના લેઉવા પાટીદારોએ આપણી ગામઠી સંસ્કૃતિનો પાયો હજુ પણ જાળવી રાખ્યો છે. તેઓએ રાજકોટ શહેર નજીક પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપી હતી.

નૂતન સમાજવાડીના ઉદઘાટન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલ, પનવેલના ધારાસભ્ય શ્રી પ્રશાંત ઠાકુર, રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રી ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા, શ્રી અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા, સામાજિક અગ્રણી દિનેશભાઈ વાવીયા અને મનજીભાઈ ગજોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ ટ્રસ્ટી જીવરાજભાઈ ચોધરી, અધિકારી મંડળના પ્રમુખ મહાદેવભાઈ બારવડીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:48 pm IST)