Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ગુજરાતથી ૪ ખાસ ટ્રેન પહોંચી અયોધ્‍યાઃ ૫૬૩૭ થી વધુ ભક્‍તો રામલલાના દર્શન કરશે

અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટથી ટ્રેન ઉપડીઃ રામ મંદિર આંદોલનમાં ભાગ લેનાર લોકો, કાર સેવકો અને વિહિપનાં કાર્યકરોનો સમાવેશ

અમદાવાદઃ તા.૧૨: અયોધ્‍યા ખાતે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામ ભક્‍તોમાં અયોધ્‍યા જવાનો અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ૪ ટ્રેન મારફતે અંદાજે ૫૬૩૭ લોકો અયોધ્‍યા દર્શને ગયા છે.  જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટથી અયોધ્‍યા માટે ટ્રેનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ વિશેષ ટ્રેનમાં રામ મંદિર આંદોલનમાં ભાગ ભજવનાર લોકો, કાર સેવકો અને વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યકરોનો સમાવેશ થાય છે.

આ બાબતે વિહિપનાં પ્રાંત મંત્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ૨૨ જાન્‍યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ ગુજરાત ભરમાંથી રામ ભક્‍તોનાં દર્શન માટેની વ્‍યવસ્‍થા ગુજરાતમાંથી  વિશ્વ હિન્‍દુ પરિષદ સંઘ પરિવારમાંથી ચાર ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાંથી ગઈકાલે રાત્રે, આજે સવારે રાજકોટથી ગતરોજ રાત્રે કર્ણાવતીથી, રાત્રે આઠ વાગ્‍યે સુરતથી ટ્રેન રવાના થઈ હતી.  લગભગ ૫૬૦૦ જેટલા રામ ભક્‍તો દર્શન માટે જવાના છે. તેમજ અયોધ્‍યામાં પણ બધી જ વ્‍યવસ્‍થા તેમના માટે કરેલી છે.  તેમજ દર્શન કરીને તે જ ટ્રેનમાં બધા પરત આવવાનાં છે. તેમજ જવાબદાર બધા જ લોકો અંદર છે. જેમાં પ્રાંત, જીલ્લા વિભાગ, ઘણા માન્‍ય સંચાલકો, ઘણા સંઘના પ્રાંતના અધિકારીઓ છે. 

અયોધ્‍યા જતી ટ્રેનનાં પ્રસ્‍થાન સમયે મહામંડલેશ્વર અખીલેશ્વરદાસજી મહારાજ, વિશ્વ હિન્‍દુ પરિષદ ગુજરાતના મંત્રી અશોક રાવલ, સહમંત્રી અશ્વિન પટેલ, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ તથા મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તો ગુજરાતથી જતા ભક્‍તો દ્વારા રામ મંદિર પર ૫૨ ગજની ધજા પણ ચડાવવામાં આવેલ. જયશ્રી રામના નારા સાથે રેલવે સ્‍ટેશન ગુંજી ઉઠ્‍યું હતું

(5:24 pm IST)