Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભુપેન્દ્રભાઇ પટેલે વડગામમાં ખાટલા બેઠક યોજીઃ ગામ લોકોઍ સ્વાગત કર્યુ

ખાટલા બેઠક બાદ મુખ્યમંત્રીઍ જલોત્રામા મહિલાઅો સાથે ચર્ચા કરી સરકારી યોજનાઅોની માહીતી આપી

અલકેશ રાવ/બનાસકાંઠા : ગાંવ ચલો અભિયાન અંતર્ગત આજે વડગામના જલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી તેમજ યુવાનો, મહિલાઓ, કી- વોટર્સ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી ,જય શ્રી રામ..ના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતો. 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગાવ ચલો... અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યુ હતુ. ગાવ ચલો.... અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું ગાવ ચલો... અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદઉપયોગ કરે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે. આ વિસ્તારના 35 વર્ષ જૂના પ્રશ્નનું નિવારણ લાવી કરમાવત તળાવ ભરવા માટે સરકારે રૂ. 862 કરોડની મંજૂરી આપી છે જેનાથી 125 ગામોને ફાયદો થવાનો છે એ બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.તો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.

ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અમારી સાથે ખાટલા બેઠક કરી અમને વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીએ ખાટલા બેઠક એવી રીતે કરી કે જાણે અમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તેવું પોતીકું લાગ્યું.

જોકે તે બાદ મુખ્યમંત્રીએ ગામના યુવાનો સાથેના સંવાદ યોજ્યો હતો. જેમાં યુવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા આ વિસ્તારના યુવાનોને પૂરતો ન્યાય મળે છે. સ્ટાર્ટ અપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે જેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે.તો યુવાનોએ જલોત્રામાં રમતગમતનું મેદાન અને લાયબ્રેરી મળે તેવી માંગ કરી હતી તો ગામના પશુપાલક લોકોએ સરકાર દ્વારા દૂધમાં સબસીડી અપાય તેવી માંગ કરી હતી. 

ગામાના યુવકોએ જલોત્રા ગામમાં સ્પોર્ટ ગ્રાઉન્ડ અને લાયબ્રેરી બને તેવી અમે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. તો આ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો હોવાથી દૂધમાં સબસીડી મળે તેવી અમે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મુખ્યમંત્રીએ જલોત્રા ગામની મહિલાઓ, કી- વોટર્સ, ઠાકોર સમાજ- બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય કરવા ની ધરપત આપી હતી.મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમને સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી એ ગામની મહિલાઓને ભજન ગાવાનું કહેતા મહિલાઓએ મારી જોપડીએ આયો મારો રામ આયો...અને મેળો ભરાયો સાચા સંત નો ગીત ગાઈ ને મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કરી ઘર કામ બાદ એક કલાક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.તો મુખ્યમંત્રીએ પણ વડગામ પંથકમાં મોટી મહિલા ભજન મંડળી બનાવી તેમાં મુખ્યમંત્રીને બોલાવવાનો અનુરોધ કર્યો હતો

એક મહિલાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ અમારી સાથે બેઠક કરી અમારી પાસે ભજન ગવડાવ્યું. મારી ઝોપડીને આયો મારો રામ ભજન અમે ગાયું તે બાદ મોટી મહિલા ભજન મંડળી બનવાની મુખ્યમંત્રી અનુરોધ કર્યો. 

ગાવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામે બે દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામ.. ના જયઘોષ... સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા.

 

(5:56 pm IST)