Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પાલનપુરમાં બે પિસ્તોલ સાથે મોહમ્મદ તાહિર ઝડપાયો

બાતમીના આધારે આરોપીની ધરપકડ : ૨૦૧૮માં પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ, હથિયારના ૭ જેટલા ગુનામાં સામેલ છે

પાલનપુર, તા. ૧૧ : કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના પાલનપુરમાંથી બે પિસ્તોલ અને એક કારતુસ સહિત એક શખ્સની અટકાયત કરી છે ઝડપાયેલ શખ્સ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જે મામલે પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે પાલનપુરના માલણ દરવાજા પાસે એક  શખ્સ પિસ્તોલ સાથે ઉભો હોવાની બાતમી મળતા ટીમોએ તપાસ હાથ ધરી હતી.

અને માલણ દરવાજા પાસે ઉભેલા મોહમ્મદ તાહિર મહમદ રફીક સૈયદની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. બે પીસ્તોલ અને એક જીવતા કારતુસ સહિત કુલ ૪૯૪૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.

જ્યારે મોહમ્મદ તાહિરની પ્રાથમિક પૂછપરછ કરતા ૨૦૧૮માં પાટણ અને મહેસાણામાં પણ આંગડિયા પેઢી લૂંટ, ફાયરિંગ અને હથિયારના ૭ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાલનપુર પોલીસે ઝડપાયેલા શખ્સની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

જ્યારે પકડાયેલા આરોપી કોઈ નવા કોઈ ગુન્હાને અંજામ આપનાર હતો કે કેમ અને આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:09 pm IST)