Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

લીંબુ, આદુ, નારિયેળ પાણી અને સંતરાની ભારે માંગ

વિટામીન-સી આપતી વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધ્યુ : વિટામીન-સીની દવાઓ પણ ખૂટી : ઇમ્યુનિટી (રોગપ્રતિકાર શકિત) વધારવા માટે નાગરિકોમાં ઘરગથ્થૂ પ્રયોગોના પ્રમાણમાં વધારો

અમદાવાદ,તા. ૧૨: કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકોમાં ઘરગથ્થૂ ઉપચારોના પ્રયોગ પણ વધી ગયા છે. ઉકાળો, લીંબુ પાણી, નારીયેળ પાણી, હળદર-આદૂ સહિતની અનેક વસ્તુઓનો પ્રયોગો કરવાની સલાહ લોકો એકબીજાને સોશીયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે. જેના પહેલા બજારોમાં લીંબુ, આદુ, નારિયેળ પાણી, અને સંતરાની ભારે માંગ ઉભી થઇ છે અને કયાંય કયાંય એના ભાવમાં ઉછાળો પણ જોવા મળી રહ્યો છે. લીંબુ,સંતરા જેવી વસ્તુઓમાં ભરપુર માત્રામાં વિટામીન-સી હોવાથી કોરોનાના દર્દીઓ માટે અને વાયરસથી બચવા માટે તે મદદરૂપ હોવાથી લોકો તેની ભરપૂર પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. અને તેના ડે ટૂ ડે લાઇફમાં ઉપયોગ પણ વધારી રહ્યા છે.

અલબત્ત, કોરોનાની મહામારી વચ્ચે શું કરવું અને શું ન કરવું ? એ એક યક્ષપ્રશ્ન સામાન્ય નાગરિકો માટે બની ગયો છે. ત્યારે સ્વરક્ષણ અને કુટુંબના સભ્યોની સુખાકારી માટે નાગરીકો હાલ જાતજાતના નુસ્ખા પણ અપનાવી રહ્યા છે. હોમિયોપેથી અને આયુર્વેદના નિષ્ણાંતોની સલાહ -સૂચનો પણ લોકો અમલમાં મૂકી રહ્યા છે. લીંબુનું શરબત, આદૂ-હળદર-તુલસી -કાળા મરીનો ઉકાળો, સંતરાના જ્યુસનું સેવન કરી ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શકિત) વધારવા લોકો વિવિધ ગતકડાં કરી રહ્યા છે. જો કે આ બધા ઘરગથ્થુ ઉપચારની કોઇ આડઅસર નથી થતી અને કોઇકને કોઇ રીતે વ્યકિતની રોગપ્રતિકારક શકિત પણ પ્રબળ બનાવે છે.

અનેક લોકોમાં સુર્યનમસ્કાર કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. જેથી કરીને તેઓ કુદરતી રીતે સુર્યના સીધા તાપમાંથી વિટામીન-સી મેળવી શકે. આ તરફ અનેક મેડિકલ શોપ પર વિટામીન-સીની દવાઓ ખુટી પડી હોવાનું પણ સામે આવ્યું છે.

ખાસ કરીને હોસ્પિટલમાં આવેલી મેડિકલ શોપ્સમાં આ દવાઓની અછત ઝડપથી સર્જાય છે. જો કે દુકાનદારો એટલી જ ઝડપથી નવો જથ્થો પણ મંગાવી રહ્યા છે. જેથી મોટાભાગના દર્દીઓની માંગને પહોંચી વળાય.

(9:59 am IST)