Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ધો. 10માં માસ પ્રમોશનને કારણે ધો.11માં પ્રવેશની અનેક મુશ્કેલી : વર્ગખંડ વધારીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી

વાલી અધિકાર ગ્રુપ દ્વારા રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું

અમદાવાદ : રાજયના શિક્ષણ વિભાગે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ધો. 10માં માસ પ્રમોશન આપ્યું છે. જેના કારણે ધો.11 કોમર્સ તથા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ સર્જાઇ છે. તેનો ઉકેલ લાવવા માટે વાલી અધિકાર ગ્રુપે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે. કેમ કે ધો.10ના વિદ્યાર્થીઓને પોતાની જ શાળામાં વર્ગ ખંડની મર્યાદાના કારણએ પ્રવેશ મળી શકતો નથી. જેથી વહેલીતકે વર્ગ ખંડોની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરી છે.

વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જયોર્જ ડાયસે જણાવ્યું છે કે, ધો.10ના વિદ્યાર્થીઓને ફોન કરવાની કે મેસેજ મોકલવાની તસ્દી લીધા વગર જે તે વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપી દેવાતાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રહી ગયા છે તેમને ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે તમને મેસેજ કરવામાં આયો હતો તમે પ્રવેશ માટે નહીં આવતાં બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. આવી તરકીબો અપનાવીને શાળા સંચાલકો કોરોના કાળામાં ધંધા- રોજગાર ગુમાવી બેઠેલા વાલીઓનો આર્થિક બોજો વધારી રહ્યાં છે.

તેમણે વધુમાં માસ પ્રમોશનને આવકારતાં કહ્યું કે, ઉપલબ્ધ વર્ગ ખંડોની સંખ્યા અને પાસ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે વિસંગતતાઓ છે તેથી તમામ વિદ્યાર્થીઓને સમાવવા માટે ગ્રાન્ટેડ વર્ગો મોટાપાયે મંજુર કરવા એ જ માત્ર ઉપાય છે. જો તેમ નહીં થાય તો હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રહી જશે અથવા નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને પ્રવેશ લેવાની ફરજ પડશે. જે ઊંચી ફી નહીં ભરી શકે તેમને ડ્રોપ આઉટ કરવું પડશે. આમ ડ્રોપ આઉટ રેશિયો પણ વધવાની શક્યતા છે. તેની સાથે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમયી બની તેમ છે.

જેથી વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધો.11 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહમાં ગ્રાન્ટેડ વર્ગો મોટાપાયે શરૂ કરવા વિનંતી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્ર પર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શિક્ષણ સચિવને મોકલવામાં આવ્યું છે. જો માંગણી સંતોષીને વહેલીતકે વર્ગ ખંડો શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.

(10:16 pm IST)