Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં હવે શરૂ થશે મેટ્રો નિયો અને મેટ્રો લાઇટનું કામ

ખાનગી કંપનીઓ પાસે 29 જૂન સુધીમાં અરજીઓ મંગાવી: 1 કિલોમીટરના કોરીડોર પાછળ 200 કરોડનો ખર્ચ: બંને ટ્રેકના બદલે રબ્બરના વ્હીલના આધારે રોડ પર દોડશે : ઇલેક્ટ્રિક ટ્રેનની જેમ ઓવરહેડ વાયર દ્વારા વીજ સપ્લાઈ થશે

અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં શહેરોમાં પણ ભવિષ્યની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ પ્રોજેક્ટ નું કામ શરૂ કરવા જઈ રહી છે. મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ મોટી મેટ્રો કરતા ઓછા ખર્ચામાં તૈયાર થઇ જાય છે.

   વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ પ્રોજેક્ટના ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ – DPR માટે તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ રસ ધરાવતી ખાનગી કંપનીઓ પાસે 29 જૂન સુધીમાં અરજીઓ મંગાવી છે.પસ્નાગડી પામનાર કંપનીને DPR માટે 6 મહિનાનો સમય આપવામાં આવશે. આ DPR માં જરૂરી ફેરફારો કરી GMRC કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલશે.

  મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ મોટી મેટ્રો ટ્રેન કરતા ખર્ચામાં ઘણી સસ્તી પડે છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માં એક કિલોમીટર કોરિડોરનો ખર્ચ સરેરાશ 350 કરોડ રૂપિયા જેટલો આવે છે. જ્યારે અંડરગ્રાઉન્ડમાં એક કિલોમીટર કોરિડોરનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. જ્યારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ માટે એક કિલોમીટર કોરિડોર 200 કરોડ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઈ જાય છે.

મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ બંને ટ્રેકના બદલે રબ્બરના વ્હીલના આધારે રોડ પર દોડશે.
મેટ્રો નિયો અને મેટ્રો લાઇટમાં એક સાથે 3 કોચ દોડાવી શકાય છે. મેટ્રો નિયોમાં કોચ દીઠ 300 જેટલા યાત્રીઓ બેસી શકે છે જયારે મેટ્રો લાઇટમાં કોચ દીઠ 100 જેટલા યાત્રી બેસી શકે છે. મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ વીજળીથી દોડશે, જેના માટે તેના રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેનની જેમ ઓવરહેડ વાયર દ્વારા વીજ સપ્લાઈ કરવામાં આવશે. આ બંને ટ્રેન વીજળીથી દોડતી હોવાથી પ્રદુષણમાં પણ ઘટાડો થશે.

વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં શહેરોમાં મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ શરૂ થાવથી આ શહેરો પણ અમદાવાદ અને સુરતની હરોળમાં આવી જશે અને સ્થાનિકોને પરિવહન માટે વધુ એક સુરક્ષિત વિકલ્પ મળી રહેશે.

(12:21 am IST)