Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

નાગણનો બદલો! નાગની હત્યા થઈ હતી ત્યાં કાકી-ભત્રીજીને ડંખ મારી તેમનો જીવ લીધો

૨૧મી સદીમાં પણ નાગ-નાગણના બદલા જેવી વાતો પર ગ્રામજનો વિશ્વાસ કરે છે : નાગની હત્યા બાદ નાગણે બદલો લેવા બે વ્યકિતઓને ડંખ માર્યો હોવાનું ગામવાસીઓનું કહેવું છે : બે દિવસ અગાઉ દેવકરણના મુવાડા ખાતે નાગની હત્યા થઈ હતી : નાગણે એક જ પરિવારના બે સભ્યોને ડંખ માર્યા હતા : ૭ વર્ષની બાળકી અને તેના કાકીનું નાગણના ડંખના લીધે મોત થયું છે

અમદાવાદ,તા. ૧૨: દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ખાતે નાગણે ડંખ મારતાં એક જ પરિવારના કાકી અને ભત્રીજીનું મોત થયું હતું. નાગણે એક જ દિવસમાં બે લોકોનો જીવ લેતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ તેને મોતને ઘાટ ઉતારી હતી. જોકે, આ ઘટના અંગે ચાલતી ચર્ચા પ્રમાણે, બે દિવસ અગાઉ ગ્રામજનોએ નાગને મારી નાખ્યો હતો અને જે સ્થળે નાગની હત્યા થઈ હતી તેની નજીકમાં જ નાગણે બે વ્યકિતને ડંખ માર્યા હતા.

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ખાતે બે દિવસ પહેલા નાગ જોવા મળ્યો હતો. નાગ દેખાતા ગભરાયેલા ગ્રામવાસીઓએ તેને મારી નાખ્યો હતો આ ઘટનાના બે દિવસ બાદ ૩૦ વર્ષીય સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે ૬ વાગ્યે ચા બનાવતા હતા ત્યારે ઝેરી જાનવરે તેમને કરડી ખાધું હતું. ૧૦૮ મારફતે તેમને દહેગામ સામૂહિક આરોગ્ય કેંદ્રમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પરિવારજનો હજી આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા બીજી હોનારત સર્જાઈ હતી. મૃતક મહિલાના જેઠની ૭ વર્ષીય બાળકી અનુબેન રણજીતસિંહ સોલંકી ઘરના આંગણામાં રમતી હતી ત્યારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ નાગણે ડંખ માર્યો હતો. બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે ર્ડાકટરોએ તેને પણ મૃત જાહેર કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા મૃતકના ઘર નજીકથી એક નાગ નીકળ્યો હતો. જેને ગામ લોકોએ મારી નાખ્યો હતો. આ બાબતનો બદલો લેતાં નાગણે બે વ્યકિતને ડંખ મારીને તેમનો જીવ લીધો હોય તેવી શકયતા છે.

નાગના મોત બાદ નાગણે કાકી-ભત્રીજીને ડંખ માર્યો હોવાનું જણાતા સ્થાનિકોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. નાગણ વધુ લોકોને ભરખી ના જાય માટે તેને શોધીને મારી નાખવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં નાગની હત્યા બાદ નાગણ દેખાઈ હોવાની વાત અને બે વ્યકિતના મોત સંયોગ હોઈ શકે છે. જોકે, ગ્રામજનોના મતે નાગની હત્યાનો બદલો લેવા નાગણે બે વ્યકિતને ડંખ માર્યા હતા.

(10:04 am IST)