Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદમાં ઇન્ક બનાવતી કંપનીમાં મોડીરાતે વિકરાળ આગ ફાટી નીકળી

ફાયરબ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યોઃ ૩ કર્મચારીઓ દાઝયા

અમદાવાદઃ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. ભારે અફરાતફરી બાદ ફાયરની ૩૦ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈન્ક એનોન નામની કંપનીમાં મધરાતે આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગનાં ૩ જવાનો  દાઝી ગયા હતા.

 નરોડા સૈજપુર બોઘા રોડ પર શિવાય એન્કલેવ સામે આવેલ ઈન્ક એનોન નામની કંપનીમાં  વિવિધ ઉપયોગમાં આવતી અલગ અલગ પ્રકારની ઈન્ક બનાવતી કંપનીમાં મધ્ય રાત્રે ૩  વાગે આગ લાગી હતી.

 ઈન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતી. આ ઘટનામાં ફાયરબ્રિગેડના ૩ કર્મચારીઓને ઇજા પહોંચી છે, જેમને હાલ શારદાબેન હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કેમિકલ હોવાના કારણે એક સાથે આગ પકડાઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે. ફાયરના સાધનો પૂરતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.

 આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન અમદાવાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ    મદનસિંહ ચાવડા (૪૨ વર્ષ), દિલીપભાઇ ચૌધરી (૩૮ વર્ષ), રામજીભાઈ કેટલીયે (૩૦ વર્ષ)ને ઇજા પહોંચી હતી.

 આકસ્મિક લાગેલ આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેકટરીમાં રાખવામાં આવેલ રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેકટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને ફાયર ફાઈટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, રોબોટ મળી ૩૦ જેટલા વાહનોની મદદથી પાંચ કલાકની ભારે જહેમત સાથે આગ પર કાબૂમાં મેળવ્યો હતો.

(11:37 am IST)