Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

એકતા કે રાજકીય ખીચડી ? ખોડલધામમાં પાટીદારો એક મંચ ઉપર

કોરોનાની લહેર ઠંડી પડતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવોઃ ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની બેઠકનો પ્રારંભઃ રાજકીય પડઘા પડવાના એંધાણ : જો કે સમાજના ઉત્કર્ષ અને સમસ્યા બેઠકનો એજન્ડા હોવાનું જણાવાય છે પરંતુ અંદરખાને રાજકીય અવગણના સામે લડવા રણનીતિ ઘડાય તેવી શકયતા

રાજકોટ, તા. ૧૨ :. દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સક્રિય થયા છે પરંતુ સાથે સાથે આજે પાટીદાર સમાજ વર્ષો બાદ એક મંચ ઉપર આવી રહ્યા છે. આજે ખોડલધામ-કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદારોની એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકને લઈને રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે. જો કે પાટીદાર સમાજ જણાવે છે કે આ બેઠકમાં સમાજના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાકાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. એક મોટા સંયોગ અનુસાર રાજનીતિમાં સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા પાટીદાર સમાજના આગેવાનો આજે એક મંચ ઉપર આવી રહ્યા છે. જે નિષ્ણાંતોને મતે એક મોટી બાબત કહી શકાય. આ બેઠકમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ, મથુર સવાણી-સુરત, લવજી બાદશાહ-સુરત, જયરામ પટેલ-સિદસર, દિલીપભાઈ-ઊંઝા, વાસુદેવ પટેલ-સોલા, રમેશ દુધવાળા-સોલા, આર.પી. પટેલ-વિશ્વ ઉમિયા ફેડરેશન, ગગજી સુતરીયા-સરદારધામ, દિનેશ કુંભાણી-ખોડલધામ વગેરે આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

લેઉવા અને કડવા પાટીદારો અગાઉ ઊંઝા-ઉમિયાધામમાં એક મંચ પર આવ્યા હતા. આજની બેઠકમા ૬ સંસ્થાના અગ્રણીઓ હાજર છે. બેઠકમાં સમાજની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા થશે. આ ઉપરાંત બીનઆયોગ અનામત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આગેવાનો કહે છે કે અત્યારે ચૂંટણીની કોઈ ચર્ચા નહિ થાય.

જો કે નિષ્ણાંતોના મતે આજની બેઠક ગુજરાતના રાજકારણ માટે મહત્વની સાબિત થશે કારણ કે પાટીદારો તેમની એકતા માટે જાણીતા છે. હવેના સંજોગોમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે અડીખમ એકતા જરૂરી બની છે. ગુજરાતમાં અનેક બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે અને પાટીદારોની તાકાત એવી છે કે ધાર્યા પરિણામો લાવી શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી પાટીદારો અંદરખાને માને છે કે તેઓની અવગણના થઈ રહી છે. એક મોટો વર્ગ તેને મળનારા લાભોથી વંચિત રહ્યો છે.

એવુ પણ કહેવાય છે કે ગયા વખતે પાટીદારો સક્રિય થયા હતા અને નરેશ પટેલને મુખ્યમંત્રી બનાવવા સુધીની વાત હતી પરંતુ તેનુ કોઈ નક્કર પરિણામ આવ્યુ નહોતુ. ત્યારથી પાટીદારો અંદરખાને ધુંધવાટ અનુભવી રહ્યા છે ત્યારે આજની બેઠકમાં આ ધુંધવાટના પડઘા પડે તેવી શકયતા છે.

જો કે ખુલ્લેઆમ કોઈ આગેવાનો કશુ બોલવા તૈયાર નથી અને માત્ર સમાજની વાતો થશે તેવુ જણાવે છે પરંતુ બંધબારણે રાજકીય ખીચડી પકાવવાની તૈયારી થઈ રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

(11:36 am IST)