Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

નડિયાદના પવનચક્કી રોડ નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી

ખેડા:જિલ્લા એલ.સી.બી ટીમે નડિયાદ શહેરના પવનચક્કી રોડ પરથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી હતી.કલાકો સુધી ગાડી માલિક ન આવતા પોલીસ ટીમે ગાડી ચેક કરતા હજારો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર જિલ્લા એલ.સી.બી ટીમ આજે ઢળતી બપોરે પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે શહેરના પવનચક્કી રોડ ઉપર આવેલ જિલ્લા આરોગ્ય શાખાની કચેરી બહારના રોડ પર એક ગાડી શંકાસ્પદ હાલતમાં પડી છે.તેમાં વિદેશી દારૂ ભરેલો છે.જે અંગે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો.બાતમી આધારિત ગાડી નજરે ચડી હતી.પરંતુ લાંબો સમય વિતવા છતા ગાડીના માલિક કે કોઇ અન્ય વ્યક્તિ આવ્યુ ન હતુ.

આ બાદ પોલીસ ટીમે શંકાના આધારે ગાડી ચેક કરતા ગાડીના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. ગાડીની તલાસી લેતા સીટ નીચે અને આગળના ડેસ્ક બોર્ડના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ટેટ્રા પેકના પાઉંચ નં-૭૦૦ કિ.  રૂા. ૪૯, ૦૦૦,ગાડી કિ. રૂા. ૧,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂા. ૧,  ૪૯,૦૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એલ.સી.બી ટીમની ફરિયાદ આઘારે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ લઇ ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:07 pm IST)