Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કડાદરાની સીમમાં ખેતરમાં તીનપતિનો જુગાર રમતા સાત શકુનિઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે. ત્યારે કડાદરા ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના પગલે દહેગામ પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ અને વાહનો મળી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો એક જુગારી પોલીસને જોઈ ભાગી જવામાં પણ સફળ રહયો હતો. આ જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોના કાળમાં ભેગા થવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.   

કોરોના કાળ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે જુગારધામો ઉપર દરોડા પણ પાડી રહી છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કડાદરા ગામની સીમમાં આવેલા પરેશભાઈ મોતીભાઈ ઠાકોરના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી  કડાદરા ગામે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ પ્રજાપતિ, ભીખાજી મેલાજી બિહોલા, બળવંતભાઈ ભગાજી ઠાકોર, ફુલાજી બાલાજી ઠાકોર, પ્રહલાદજી અમરાજી ઠાકોર, વિપુલકુમાર રાજુજી ઠાકોર અને રણજીતજી પોપટજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧૦૬૫૦ની રોકડ, પાંચ મોબાઈલ, ચાર બાઈક મળી કુલ એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.

 

(4:11 pm IST)