Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદની શાળાઓ આપી રહી છે ઓફર

રસી મુકાવો અને ફીમાં ૫% ડિસ્કાઉન્ટ મેળવો

રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અમુક શાળાઓ દ્વારા કરવામાં આવી અનોખી પહેલઃ રસીકરણ થઈ ગયું હોય તેવા વાલીઓને આપશે પાંચ ટકાની છૂટ...

અમદાવાદ, તા.૧૨: રસીકરણના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તેમજ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની બે મોટી સીબીએસઈ શાળાઓ અને બે પ્રી-સ્કૂલો દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ શાળાઓ ૩૧મી ઓકટોબર પહેલા જે વિદ્યાર્થીના માતા-પિતાએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હશે તેમને ફીમાં ૫ ટકા છૂટ આપશે.

ઉદ્દગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એકિઝકયુટીવ ડિરેકટર મનન ચોકસી જણાવે છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ હતી, પરંતુ આજે પણ દ્યણાં એવા લોકો છે જે રસી લેતા ખચકાય છે. કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ટોળાઈ રહ્યું છે ત્યારે જરૂરી છે કે દરેક નાગરિક રલી લઈ લે. સરકારના રસીકરણ અભિયાનને સમર્થન આપવા માટે તેમજ વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે આ પહેલ કરી છે જે અંતર્ગત અમે વાલીઓને ફીમાં પાંચ ટકા છૂટ આપીશું.

પ્રી-સ્કૂલની વાત કરીઓ તો સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમુક ફેક મેસેજને કારણે ઘણાં લોકો આજે પણ રસીથી ડરે છે.

રસીને લઈને લોકોમાં અનેક ખોટી ધારણાઓ બંધાયેલી છે. રસી લીધા પછી લોહી જામી જાય, વગેરે જેવી ભ્રામક વાતોને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો રસી લેવા નથી જતા. લોકોના મનમાંથી આ ભ્રમણાઓ દૂર થાય તે જરુરી છે.

 કારણકે કોરોનાની આગામી લહેરોનો સામનો કરવા માટે રસીકરણ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ મુખ્ય હથિયારો છે.

(4:20 pm IST)