Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત એવિએશન અને એરોથેટિક્સમાં કારર્કિદી ઘડવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોર્ષ શરૂ કરાશેઃ એરફોર્સના અધિકારીઓ દ્વારા શિક્ષણ અપાશે

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત એવિયેશન અને એરોનોટિક્સમાં કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે કોર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી એવિયેશન અને એરોનોટિક્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ એમ.ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે.

પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે

એવિએશન અને એરોનોટિક્સ કોર્સ વિશે વાત કરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે, જેમાં આ પ્રકારના કોર્સ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. મેથ્સ અને ફિઝિક્સના વિદ્યાર્થીઓને આ કોર્સ કારણે ફાયદો થશે. ઓગસ્ટ મહિનાથી એવિએશન અને એરોનોટિક્સનો કોર્સ શરૂ થશે.

ઇન્ડીયન એરફોર્સ સાથે પણ MOU થયા

તેમણે કહ્યું કે, આ કોર્ષને DGCA દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઈચ્છે એ મુજબ એમ.ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ થકી અભ્યાસ કરી શકશે. આ કોર્સ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અદાણી એવિયેશન અને મહેસાણા ફલાયિંગ સ્કૂલના MOU પણ થયેલા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં આ કોર્સ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકશે. આ ઉપરાંત ઇન્ડીયન એરફોર્સ સાથે પણ MOU થયેલ છે તે અંતર્ગત આ વર્ષે 17 થી વધુ ઓફિસર માસ્ટર તથા 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સ માટે આવશે.

આ કોર્સ મામલે હાલ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ યુનિવર્સિટીની બોર્ડ મીટીંગમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરી ફીનું ધોરણ નક્કી કરવામાં આવશે તેવુ તેમણે જણાવ્યું.

(4:56 pm IST)