Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેકશનની કાળા બજારી કરવાના ગુન્હામાં વધુ ૨ ઝડપાયાઃ ૨૨ ઇન્જેકશન આપવા છતાં દર્દીની તબિયત ન સુધરતા તપાસ કરતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ: અમદાવાદની અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઈસમની બે દિવસ પહેલા ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે.જે મામલે પોલીસે વધુ તપાસ કરીને આરોપીને ઈન્જેક્શન આપનાર બે ઈસમોની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીની પુછપરછમાં મહત્વનાં ખુલાસા થયા છે.

અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઈકોસીસ ઈન્જેક્શનની કાળાબજારી કરતા સુરેન્દ્રનગરનાં હિતેશ મકવાણા નામના ઈસમની બે દિવસ પહેલા ધરપકડ કરી હતી.આરોપીએ ઇસનપુરના વેપારી 7 લાખ 97 હજાર રૂપિયામાં 42 ઇન્જેક્શન આપ્યા હતા. જે 42 ઇન્જેક્શનમાંથી 22 ઇન્જેક્શન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તબિયત વધુ બગડતા વેપારીને શંકા જતા ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પુછપરછ દરમ્યાન આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે આ ઇન્જેક્શન આરોપીએ નિતીન પરમાર પાસેથી મેળવ્યા હતા,અને નીતિન પરમાર તેમજ હિતેશ પરમારે આ 42 ઈન્જેક્શન મુખ્ય આરોપી શિવમ પાસેથી મેળવી 60 હજાર રૂપિયા કમીશન લઈને હિતેશ મકવાણાને આપ્યા હતા.

હાલ પકડાયેલા આરોપીમાં નીતિન પરમાર વિરમગામની સાંઈ ઈન્સ્ટીટ્યુટનો વિદ્યાર્થી છે. તેમજ હિતેશ પરમાર તે સંસ્થાનો સંચાલક હોવાનુ સામે આવ્યુ છે. ઈન્જેક્શન કાળાબજારીનાં કેસમાં નર્સીંગ ઈન્સ્ટીટ્યુટ સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે આવ્યા છે.આ કેસમાં આ બન્ને આરોપીઓએ હિતેશ મકવાણા સિવાય અન્ય કોઈ વ્યક્તિઓને વેંચ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.તેમજ આ ગુનામાં મુખ્ય ફરાર આરોપી શિવમની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(4:57 pm IST)