Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બજારો ખુલતા જ તસ્કરોની ટોળકી સક્રિય : ત્રણ દરવાજાથી લાલદરવાજા વચ્ચે બે મહિલાના પર્સ ની ચિલ ઝડપ

અમદાવાદ : કોરોનાના કેસોમાં ઘટાડો થતા સરકારે તમામ ધંધાઓ માટે રાહત આપી છે. ત્યારે શહેરના ત્રણ દરવાજા બજારમાં કાપડ સહિતની વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાથી લોકો ખરીદી કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. જો કે, કોરોના કાળ બાદ બજારો ખુલતા લોકોમાં અનેરો ઉત્સાહ ખરીદી કરવા માટેનો જોવા મળી રહ્યો છે. ત્યારે આ તકનો લાભ ગઠિયાઓએ ઉઠાવ્યો હતો. લાલદરવાજાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં 2 મહિલાના પર્સમાંથી રોકડ રકમની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, કાલુપુરમાં રહેતા રેખાબેન પ્રજાપતિના ઘરે લગ્ન હોવાથી તેઓ તેમની દીકરી સાથે ત્રણ દરવાજા પાસે ખરીદી કરવા માટે આવ્યા હતાં. તે સમયે એક મહિલા તેમની નજીક ઊભી રહી હતી અને વારેઘડીએ તેમને અડતી હતી. દરમિયાન રેખાબેને વસ્તુના પૈસા ચૂકવવા પર્સ કાઢતાં તેમની થેલીમાં પર્સ ન હતું. જેથી પર્સ અને રૂ. 3500ની ચોરી અજાણી મહિલાએ કર્યાની ફરિયાદ રેખાબેને કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ત્યારે બીજી એક ઘટનામાં સુરેન્દ્રનગરમાં રહેતા ચેતના પટેલ અમદાવાદ દવા લેવા આવ્યાં હતાં. દરમિયાન ગુરુવારે બપોરે લાલદરવાજા બહુચરમાતાના મંદિર પાસે ખરીદી કરતાં હતાં. ત્યારે તેમની પાસેના લેડિઝ હેન્ડબેગમાં મુકેલા રોકડા રૂ. 3 હજાર ભરેલું પર્સ બે અજાણી સ્ત્રીઓ નજર ચૂકવીને લઈ ગઈ હતી. આ અંગે ચેતનાબેને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:47 pm IST)