Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલવે સ્ટેશન સામે પાર્કિંગ બનાવવા માટે નિગમે જમીન લેવલિંગનું કામ શરૂ કરતાં વિરોધ : પોલીસ બંધોબસ્ત

કેવડિયા ગામમાં સ્થાનિક આદીવાસીઓ વિરોધ ન કરે એ માટે લોકોના ઘરની બહાર પોલિસ પહેરો ગોઠવાયો : અમે જમીન વિહોણા થઈ ગયા, અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીશું : પાર્કિંગમાં જમીન ગુમાવનાર પરિવારની વેદના

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે સ્ટેશનની સામે સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ સરદાર સરોવર નર્મદા નિગમે પાર્કિંગ બનાવવા માટે જમીન લેવલિંગ કામગીરી શરૂ કરી દીધી છે.એક તરફ પોલીસનો કાફલો અને બીજી બાજુ જમીન લેવલિંગ કામગીરી ચાલુ કરતા ઘર્ષણનો કોઈ બનાવ બનવા પામ્યો ન હતો.

કેવડિયા રેલ્વે સ્ટેશન સામે થોડા દિવસ અગાઉ સર્વે દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ અને એ વિસ્તારની મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, એક મહિલાએ જાહેરમાં પોતાની સાડી કાઢી નાખી હતી, જો કે મહિલા પોલીસે મામલો થાડે પાડ્યો હતો.આ ઘટનામાં 15-20 ના ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

સરદાર સરોવર નર્મદા નિગમેં મશીનરીઓ દ્વારા સર્વે નંબર 447, 448, 449, 471, 472, 473 ની જમીન પર લેવલિંગનું કામ ચાલુ કર્યું છે.તો બીજી બાજુ સંભવિત વિરોધને પગલે ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.લોકો વિરોધ કરવા બહાર ન આવે એ માટે કેવડિયા ગામમાં પણ લોકોના ઘરની બહાર પોલિસ ખડકી દેવાઈ હતી.

નર્મદા નિગમ હાલ જ્યાં જમીન લેવલિંગનું કામ કરી રહ્યુ છે એ જમીનના વારસદારો પાસે જીવન નિર્વાહ માટે બચેલી એક માત્ર 2.5 એકર જમીન પણ પાર્કિંગ માટે જતી રહી છે.આ જ પરિવારની અમુક જમીન કેવડિયા રેલ્વે સ્ટેશન અને વિયર ડેમમાં ડુબમા ગઈ છે. આ પરિવાર જમીન વિહોણું થઈ ગયું છે.પરિવારના લોકો એમ કહી રહ્યા છે કે વળતર આપ્યા વગર સરકારે અમારી જમીન લઈ લીધી છે. આ પરિવારના લોકોને સરકાર સારું પેકેજ આપે અને ઝડપી નિકાલ લાવે એ જરૂરી બન્યું છે.

તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે એ જમીન પર પાર્કિંગ બની રહ્યુ છે. મેં એ પરિવાર સાથે અગાઉ 10 વાર મિટિંગો કરી કહ્યું હતું કે તમે પેઢી નામાં મુજબ મને વળતર માટે સંમતી આપો તો તમને વળતર મળશે, પણ હજુ સુધી મને સંમતિ આપી નથી તો વળતર કેવી રીતે મળે. મેં કેવડિયા સહિત 6 ગામમાં લોકો સાથે વળતર મામલે મિટિંગો કરી છે.

(5:48 pm IST)