Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદના સૈજપુર પાસે ઇન્ક બનાવતી ફેક્ટરીમાં જબરી આગ : ફાયરબ્રિગેડના ૧૦૦ જવાનો ની ટીમે કાબુ મેળવ્યો

અમદાવાદ : અમદાવાદમાં ગત મોડી રાત્રે સૈજપુર પાસે આવેલ ઈન્ક બનાવવાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે, આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામા આવ્યો હતો અને ફાયરની 40 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં 3 ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદના પૂર્વમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક આગનો બનાવ બન્યો હતો. સૈજપુર આગળ આવેલી એક ઇન્ક બનાવતી કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. એમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. એમાં 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે જઈને આગ બુઝાવી હતી. આ દરમિયાન ઓઢવ ફાયર સ્ટેશનમાં 3 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તેમને હોસ્પિટલમાં સમયસર સારવાર મળવાથી આજે રજા આપવામાં આવી છે. આ ફેકટરીમાં 2 ઓરડીમાં કારીગરો રહે છે, તેઓ કાલે ફેકટરીમાં જ હતા. જોકે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેમણે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો અને તેઓ ફેકટરીની બહાર નીકળી ગયા હતા.

આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીઝના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન-કર્મચારી આગથી હાથ તથા મોઢાના ભાગે વત્તાઓછા પ્રમાણમાં દાઝી જતાં તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. તેમને સારવાર આપી રજા આપવામાં આવી છે. આકસ્મિક લાગેલી આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલાં રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને બિલ્ડિંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગના અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયાં હોવાની ફાયરબ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

(5:49 pm IST)