Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

શાહપુરમાં એકતરફી પ્રેમી સગીરાને જન્મદિવસની ગિફ્ટ આપવા ઘરે પહોંચ્યો : માતાને મારઝૂડ કરીને દાંત તોડ્યા

સગીરાની મમ્મીએ અંહી કેમ આવ્યો ,મારી દિકરીના લગ્ન તારી સાથે કરવાના નથી તેમ જણાવતા ઉશ્કેરાયેલા પ્રેમીએ ઝઘડો કર્યો

અમદાવાદ: શાહપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ તેની સગીર પ્રેમીકાને જન્મદિવસની ગીફ્ટ આપવા માટે સગીરાના ઘરે ગયો હતો. જો કે સગીરાની મમ્મીએ અંહી કેમ આવ્યો છે મારી દિકરીના લગ્ન તારી સાથે કરવાના નથી તેમ જણાવતા ઉશ્કેરાયેલા પ્રેમીએ સગીરાની મમ્મી સાથે મારઝુડ કરી દાંત તોડી નાખ્યા હતા. આ અંગે શાહપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો

શાહપુરમાં 40 વર્ષીય મહિલા તેના પતિ અને બે દિકરી સાથે રહે છે. જેમાં 16 વર્ષીય દિકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે. શુક્રવારે સવારના સમયે મહિલા અને તેની દિકરી ઘરે હાજર હતી. ત્યારે કેનેડી પોળમાં રહેતો યુવક સગીરાના ઘરે ગયો હતો અને તમારી દિકરીનો જન્મદિવસ હોવાથી તેને ગિફ્ટ આપવા માટે આવ્યું છું હું એને પ્રેમ કરું છુ અને તેની સાથે લગ્ન કરવા માગું છું. જેથી મહિલાએ તું મારી દિકરીને શા માટે બદનામ કરે છે, મારી દીકરીને તારી સાથે લગ્ન કરાવવા નથી તેમ જણાવ્યું હોવાથી ઉશ્કેરાયેલા પ્રેમીએ તેની પ્રેમિકાની માતા સાથે ઝઘડો કરી મોઢાના ભાગે ફેંટો મારી બે દાંત તોડી નાખ્યા હતા.

જો કે આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા આ પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે મહિલાએ યુવકના વિરુદ્ધમાં શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(12:13 am IST)